સમગ્ર રાજ્યમાં ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશને પ્રોત્સાહન આપવા અને હરિત કવચમાં વધારો કરવાના ઉદ્દેશથી વન તંત્ર દ્વારા ૭૫માં વન મહોત્સવની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના બાબરા સ્થિત તાપડીયા આશ્રમ મુકામે જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી થઈ હતી. વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-વડિયા-કુંકાવાવ મતવિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા , નાયબ મુખ્ય દંડકશ્રી અને બાબરા-લાઠી વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને પ્રોત્સાહક કિટ આપી વન કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા. ઉપસ્થિત મહાનુભાવોએ તાપડીયા આશ્રમના પ્રાંગણમાં વડ-પીપળો-અશોક-બોરસલ્લી સહિતના વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યુ હતુ.
નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ કહ્યુ કે, ‘વૃક્ષોનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી પહેલ ‘એક પેડ મા કે નામ’ ને સમગ્ર દેશે ઝીલી લીધી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તાજેતરમાં જ રાજ્યકક્ષાનો વનમહોત્સવ ઉજવાયો છે ત્યારે સૌ કોઈ વૃક્ષારોપણને પોતાની ફરજ સમજી અને જતન કરશે તો કોંક્રિટના જંગલના બદલે હરિયાળા શહેરી વિસ્તારોનું નિર્માણ થશે.કુદરતી આપદાઓના કાળમાં વૃક્ષોનું મહત્વ સમજાય છે. વ્યક્તિના જીવનમાં જન્મથી મરણ સુધીની પ્રત્યેક અવસ્થામાં વૃક્ષોનું અનેરું મહત્વ છે. અમરેલીને ‘લીલીછમ અમરવેલી’ બનાવવા માટે જનભાગીદારીથી પ્રત્યેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે’ તેવો તેમણે અનુરોધ પણ તેમણે કર્યો હતો.
શ્રી વેકરિયાએ ઉમેર્યુ કે, ‘વૃક્ષારોપણની આ ઝુંબેશને આગળ ધપાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં આગામી એક વર્ષમાં ૨૫,૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે. આ કામગીરી માટે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવા માટે જે સહકાર આપશે તેમને પાણીના ટાંકા બનાવવા સહાય કરવામાં આવશે.કાર્યક્રમના પ્રારંભે સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાએ તેમના વકત્વ્યમાં, નવા સંસદ ભવનના નિર્માણ દરમિયાન ૦૩ વૃક્ષોને જાળવી અને ભવનનું નિર્માણ કરવામાં આવ્યું તે પ્રેરક દાખલો ટાંકી સૌને વૃક્ષોનું જતન કરવા અને વન તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવતા વૃક્ષોનું જતન કરવા અનુરોધ કર્યો હતો.
લાઠી-બાબરા મત વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાએ પ્રેરક ઉદ્ધોધન કર્યુ હતુ. વૃક્ષારોપણ માટે વન વિભાગ સાથે સહકાર સાધીને એક પેડ મા કે નામ અભિયાનને આગળ વધારવા અનુરોધ કર્યો હતો.’પ્રકૃતિના જતન’ વિષય પર તૈયાર કરવામાં આવેલા નાટકને નાટક મંડળી અને શાળાની વિદ્યાર્થિનિઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોનું ઔષધિય છોડથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ કોઇએ પર્યાવરણ જતન અને સંવર્ધનના સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, નગરપાલિકા પ્રમુખશ્રી પ્રવિણભાઈ કરકર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ રાખોલીયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, રાજકોટ સામાજિક વનીકરણ વર્તુળના વનસંરક્ષક શ્રી આર.સેન્થીલકુમારન, લાઠી-બાબરા પ્રાંત અધિકારી શ્રી બ્રહ્મભટ્ટ, અમરેલી નાયબ પોલીસ અધિક્ષકશ્રી દેસાઈ, સામાજિક વનીકરણ વિભાગ અમરેલીના સહાયક વન સંરક્ષકશ્રી શેખ, બાબરા તાલુકા મામલતદારશ્રી, બાબરા તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ વન તંત્રના અધિકારીશ્રીઓ-કર્મયોગીશ્રીઓ, તાપડીયા આશ્રમના મહંતશ્રી, વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments