fbpx
અમરેલી

૭૫ માં સ્વાતંત્ર્ય પર્વે નિમિત્તે મંત્રી ઈશ્વરસિંહ પટેલએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી

૭૫માં સ્વાતંત્ર્ય પર્વની અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના સહકાર, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વાહન વ્યવહાર જેવા વિભાગોના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ રાષ્ટ્રની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પી પ્રજાજનોને ૭૫માં સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી.

મંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં નાનામાં નાના માણસને પણ સુશાસનની અનુભૂતિ થઇ રહી છે. ગુજરાતના મહિલાઓ, દિવ્યાંગો, ગ્રામ્ય કારીગરો, ખેડૂતો, ગ્રામ્ય મજૂરો સૌના માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓની સફળ અમલવારી કરીને જે તે વ્યક્તિઓના ખાતામાં સહાયનો સીધો લાભ પહોંચાડી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સલામતીનો વિશ્વાસ આપવામાં આવ્યો છે. છેલ્લા અઢી દાયકાથી પ્રજાના હિતાર્થે કરવામાં આવેલા વિકાસકાર્યોને પ્રજાનું પ્રચંડ સમર્થન મળી રહ્યું છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કોરોના મહામારીના કારણે આજે સમગ્ર વિશ્વની માનવજાતિને ગંભીર અસર થઇ છે. પરંતુ ગુજરાત એટલે આપત્તિને અવસરમાં પલટાવવાનું સામર્થ્ય ધરાવતું રાજ્ય છે. ભૂતકાળમાં પણ ગુજરાત પર આવેલી મુશ્કેલીઓનો સમગ્ર રાજ્ય એ એક થઈને સામનો કરી પહેલા કરતા વધુ ગતિથી વિકાસ યાત્રાને આગળ ધપાવી છે. મંત્રીશ્રીએ રાજય સરકાર દ્વારા અમલી આરોગ્ય, શિક્ષણ, પુરવઠા, ખેતીવાડી, માર્ગ અને મકાન, વીજળી જેવા વિવિધ વિભાગોની યોજનાઓ, ગરીબોના કલ્યાણ માટેની યોજનાકીય વિગતો અને રાજયમાં હાથ ધરવામાં આવેલા સ્વચ્છતાલક્ષી પગલાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

મંત્રીશ્રીએ અમરેલી જિલ્લાના વિકાસકાર્યો માટે જિલ્લા કલેક્ટરશ્રીને ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. આરોગ્ય, પોલીસ જેવા વિભાગના અધિકારી-કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તેમજ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર રમતવીરોનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઉમંગરાય છાટબારને સુતરની આંટી પહેરાવી વંદન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રી તથા ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઇ ભુવા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લીપ્ત રાય, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાણા, પ્રાંત અધિકારી શ્રી સી.કે.ઉંધાડ સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ – કર્મચારીઓ તેમજ પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ અને ભૂલકાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts