૮૦ વર્ષીય પત્ની પતિને મૂકીને પુરુષમિત્રના ઘરે જતાં હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરાઇ
લગ્નજીવનમાં અને એ પણ જીવનસંધ્યાએ જીવનસાથી સાથેનો સંબંધ સૌથી વધુ મજબૂત આધાર ગણાય છે, પરંતુ ઢળતી ઉંમરે જીવનસાથીને છોડી જવાની ઘટના બનતાં હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરવામાં આવી છે. પતિની નોકરી દરમિયાન વર્ષોથી શરૂ થયેલા પત્નીના લગ્નેતર સંબંધોની જાણ પતિને નિવૃત્તિ બાદ થઈ છતાં પત્ની સાથે પ્રેમથી રહેતા ૮૨ વર્ષીય અમિષ શાહ (નામ બદલ્યું છે)ને મૂકીને તેમનાં પત્ની કૈરવીબેન શાહ તેમની જ સોસાયટીમાં રહેતા પુરુષમિત્રને ઘરે રહેવા જતાં રહ્યાં હતાં. તેમના પુત્રવધૂ અને અમિષભાઇએ વારંવાર સમજાવવા છતાં તેઓ પાછાં ન આવતાં હેબિઅસ કોર્પસ કરાઈ હતી.
વાસણામાં રહેતા અમિષ શાહનાં પુત્રવધૂ નિધિ શાહે હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરી હતી. કેન્દ્ર સરકારમાં નોકરી કરતા અમિષ શાહની સતત બદલી થતી હોવાથી તેઓ પત્નીના અફેર વિશે અવગત નહોતા. દરમિયાન ગત વર્ષે લોકડાઉન પહેલાં કૈરવીબેન શાહના પુરુષમિત્રનાં પત્ની કોરોનાને લીધે મૃત્યુ પામ્યાં હતાં. તેમનાં સંતાનો વિદેશમાં રહેતાં હોવાથી વિમલભાઇ ઠક્કર એકલા પડતા, લોકડાઉનમાં જમવાની અગવડ પડતાં ૮૦ વર્ષીય કૈરવીબેન શાહ વિમલભાઇને તેમના ઘેરથી જમવાનું આપવા જતાં હતાં.
શરૂઆતમાં પુત્ર અને પુત્રવધૂ જમવાનું આપવા જતાં હતાં, પરંતુ કૈરવીબેને જાતે જમવાનું આપવા જઇ ૨-૩ કલાક પછી ઘરે આવતાં પરિવારે નારાજગી દર્શાવતાં તેમનું મળવાનું વધી ગયું હતું. છેવટે પુત્રવધૂએ જમવાનું આપવાનું બંધ કરતાં એક દિવસ કૈરવીબેને પરિવારને જાણ કરી હતી કે તેમના સંબંધ છેલ્લાં ૩૪ વર્ષથી છે અને તેઓ પતિ સાથે રહેવા માગતાં નથી. ૬ માસ પહેલાં કૈરવીબેન પરિવારને જાણ કર્યા વગર ગાયબ થઇ ગયાં હતાં તો બીજી તરફ સોસાયટીમાં રહેતા વિમલ ઠક્કર પણ ઘર બંધ કરીને જતા રહ્યા હતા. પુત્રવધૂએ સાસુને શોધવા ફરિયાદ કરી હતી, પરંતુ ૮૨ વર્ષીય અમિષ શાહે તેમનાં પત્ની અંગે ફરિયાદ નહીં કરવાનો ર્નિણય લીધો હતો.
Recent Comments