fbpx
ગુજરાત

૯૧ વર્ષની મહિલા ડોક્ટરના મૃત્યુ બાદ નોડલ ઓફિસરે અંતિમવિધિ કરી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૩૦૯૪ કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા ૮૯,૪૪૦ ઉપર પહોંચી ગઇ છે. ગુરૂવારે વધુ ૧૦૮૪ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૭૭,૨૮૧ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૪ દર્દીના મોત થયા છે. વડોદરા શહેરના પશ્ચિમ અને દક્ષિણ ઝોન હોટસ્પોટ બન્યા છે. ગુરૂવારે પશ્ચિમ ઝોનમાં ૮૩૨ અને દક્ષિણ ઝોનમાં ૮૧૧ કેસ નોંધાયા હતા. એમ.એસ.યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનું કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું છે.

વડોદરા શહેર અને જિલ્લામાં ગુરૂવારે ૧૧,૬૨૩ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૨૬.૬૧ ટકા પોઝિટિવિટી રેટ સાથે ૩૦૯૪ કેસ નોંધાયા હતા. ઉલ્લેખનિય છે કે, ૯ જાન્યુઆરીએ કોરોનાનો પોઝિટિવીટી રેટ ૩.૯૬ ટકા હતો, જે ૧૧ દિવસ બાદ ૨૦ જાન્યુઆરીએ ૬ ગણો વધીને ૨૬.૬૧ ટકા ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં ૧૧,૫૩૫ એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી ૧૧,૨૯૧ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે ૨૪૪ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ૧૨ દર્દીઓ વેન્ટિલેટર પર, ૪૬ દર્દીઓ આઇસીયુમાં અને ૭૯ દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં ૧૨,૩૭૬ દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં ગુરૂવારે હરણી, બાજવા, કિશનવાડી, માંજલપુર, સમા, છાણી, ગાજરાવાડી, તાંદલજા, ગોત્રી, બાપોદ, અકોટા, સુદામાપુરી, ફતેપુરા, અટલાદરા, દિવાળીપુરા, વાઘોડિયા, એકતાનગર, જેતલપુર, આજવા રોડ, સવાદ અને વડસરમાં નવા કેસો નોંધાયા છે.

વડોદરામાં ગુરૂવારે ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં ૪૩૩, પશ્ચિમ ઝોનમાં ૮૩૨, ઉત્તર ઝોનમાં ૬૪૭ અને દક્ષિણ ઝોનમાં ૮૧૧ કેસ નોંધાયા હતા. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં ૩૭૧ કેસ નોંધાયા હતા.વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન ૯૧ વર્ષીય ગાયનેકોલોજીસ્ટ મહિલા તબીબનું મૃત્યું થયું છે. તેઓ ખાનગી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ફરજ બજાવતા હતા. મૃતક ડો. પુષ્પાબેન આમીનના પરિવારમાંથી કોઇ હાજર ન હોવાથી ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. હિતેશ રાઠોડે અંતિમવિધિ કરી હતી.

Follow Me:

Related Posts