અમરેલી જિલ્લાના પીઠવાજાળમાં ખેતી ધરાવતા ખેડૂતશ્રી જગદીશભાઈ દૂધાત ૨૦ વીઘા જમીનમાં ખેતી કરે છે. તેમણે ખેતીકામ શરૂ કર્યું ત્યારથી જમીનમાં રાત્રે જ પાણી વાળ્યું હતું. દિવસે કૃષિ કનેક્શનોમાં અવિરત વીજળી ન મળવાના કારણે રાત્રિના ખેતરમાં ઉજાગરા કરી અને પરિશ્રમ કરવો પડતો હતો. જો કે, રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી “કિસાન સૂર્યોદય યોજના” શ્રી જગદીશભાઈ અને તેમના જેવા લાખો ખેડૂતોના જીવનમાં નવો ઉજાસ લાવી રહી છે. આ યોજનાએ ખેતી માટે જરૂરી વીજ પુરવઠાની વર્ષોથી ચાલી આવતી સમસ્યાનો સ્થાયી અને અસરકારક ઉકેલ આપ્યો છે.
અગાઉ મોટાભાગના ખેડૂતોને રાત્રિ સમયે ખેતી માટે વીજ પુરવઠો મળતો હતો. જેના લીધે રાત્રિના સમયે સિંચાઈ કરવામાં રાત ઉજાગરા કરવા પડતા હતા. અમરેલી જિલ્લો ગીર ભૂમિ હોવાથી જંગલી પ્રાણીઓનો પણ ભય રહેતો, રાત્રિના સમયે ક્યારો ફૂટી જાય તો બેટરીના અજવાસમાં તેને બાધવાની સમસ્યા પણ થતી. તેમજ આરોગ્ય પર પડતા પ્રભાવ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસ દરમિયાન નિશ્ચિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળતા આ તમામ સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ અંગે ખેડૂતશ્રી જગદીશભાઈ દૂધાતે જણાવ્યું કે, મારું રહેણાંક અમરેલી છે. રાત્રિના વીજળી મળતી હોવાથી ગામડે વાડીએ જવું પડતું હતું. વધુમાં આરોગ્ય પર અસર થતી અને વોલ્ટેજ પણ ઓછા વત્તા રહેતા હતા. દિવસે નિશ્ચિત સમય વીજ પુરવઠો મળવાથી આ સમસ્યાનું નિવારણ આવ્યું છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના અમરેલી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના ૬૦૨ ગામના ૧,૨૭,૮૮૯ ખેડૂતોને નિશ્ચિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો દિવસ દરમિયાન મળી રહ્યો છે. આ પૈકીના ૮૨,૬૦૪ ખેડૂતોને સિંગલ શીફ્ટમાં જ્યારે ૪૫,૨૮૫ ખેડૂતોને બે શીફ્ટમાં દિવસે વીજળી આપવામાં આવી રહી છે.
આ અંગે અમરેલીના ખેડૂતશ્રી અરવિંદભાઈ પોકળે જણાવ્યું કે, હાલ મારે ૦૭ વીઘા જમીનમાં ઘઉ છે. શહેરની ભાગોળે આવેલી જમીનમાં હું દિવસે પાણી વાળી શકું છું. દિવસે વીજળી હોવાથી પાણીનો બગાડ પણ થતો નથી અને ક્યારો ફૂટે તો નરી આંખે જોઈ શકાય છે. આ યોજના ખેડૂતો માટે આશિર્વાદ સમાન છે.
કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોના ખેતી ખર્ચમાં પણ ઘટાડો થયો છે. ડીઝલ પંપ કે અન્ય વૈકલ્પિક સાધનો પર થતો ખર્ચ હવે બચી રહ્યો છે. સાથે જ ખેતી યંત્રોનો યોગ્ય અને સમયસર ઉપયોગ શક્ય બન્યો છે, જેનાથી ખેતી વધુ વ્યવસ્થિત અને લાભદાયી બની છે.
આ રીતે કિસાન સૂર્યોદય યોજના માત્ર એક વીજ પુરવઠાની યોજના નહીં પરંતુ ખેડૂતોના સર્વાંગી વિકાસની દિશામાં રાજ્ય સરકારની દૃઢ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. ખેતીને વધુ સુરક્ષિત, સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવતી આ યોજના ગુજરાતના ગ્રામ્ય વિકાસમાં માઈલસ્ટોન સાબિત થઈ રહી છે.
પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયની જન્મ જયંતિને રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તરીકે આરંભેલી વિકાસયાત્રા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશમાં “અટલ નેતૃત્વ થકી અવિરત વિકાસ” કરી રહી છે.


















Recent Comments