અમરેલી એસ.ટી. ડિવિઝનમાં પુરુષો સાથે ખભેખભો મિલાવી ૧૭૫ મહિલા કંડકટર અદા કરી રહી છે ફરજ

અમરેલી એસ.ટી. ડિવિઝનમાં ૧૭૫ જેટલી મહિલા કંડકટર પુરુષો સાથે ખભેખભો મિલાવી પોતાની ફરજ અદા કરી રહી છે. આ મહિલાઓ તેમની પારિવારિક, સામાજિક અને વ્યવસાયિક જવાબદારીઓ સુપેરે નિભાવી રહી છે.
શક્તિના અવતારસમી સ્ત્રીઓ કોઈપણ ક્ષેત્રમાં આગળ વધે છે અને તે અન્યને પણ પારિવારિક, સામાજિક અને વ્યવસાયિક જવાબદારીઓ એકસાથે કઇ રીતે નિભાવવી તેની પ્રેરણા પૂરી પાડવા સક્ષમ છે, આ માટે તેઓ તેનું દ્રષ્ટાંત છે તે પણ મહિલાઓ પ્રતીતિ કરાવે છે.
અમરેલી ડિવિઝનમાં વિભાગીય પરિવહન અધિકારી તરીકે ફરજ નિભાવતા સુશ્રી એચ. આર. કટારા કહે છે કે, આ ડિવિઝનમાં ૧૭૫ જેટલી મહિલા કંડકટર જુદાં-જુદાં રુટ પર ફરજ અદા કરી રહી છે, ઉપરાંત રાજુલા અને બગસરા એસ.ટી બસ ડેપોનું ડેપો મેનેજર તરીકે બે મહિલાઓ સુપેરે સંચાલન કરી રહી છે.
રાજયની આ પરિવહન સેવાઓમાં મહિલાઓનો ઉતરોત્તર વધારો થતો રહ્યો છે. શ્રી કટારાએ ઉમેર્યુ કે, મહિલાઓની પરિવહન સેવામાં ભાગીદારીથી ઘણાં સકારાત્મક બદલાવ આવ્યાં છે. ફરજ પર મહિલાઓની ઉપસ્થિતિ હોય નાગરિકો પણ બસમાં તેમની મુસાફરી દરમિયાન શિસ્ત અને સંયમ જાળવે છે.
મહિલા કંડકટર પારિવારિક સાથે વ્યવસાયિક સહિત અનેકવિધ જવાબદારી સુપેરે નિભાવી રહી છે. એસ.ટી. ડેપોમાં મહિલાઓને તેમની ફરજ સિવાયના સમયે તેમને વિશ્રામ મળી રહે તે માટે મહિલાઓને અલાયદી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.
રાજ્યમાં જાહેર પરિવહન સેવામાં એક સમયે મહિલાઓની નહિવત ભાગીદારી હતી પરંતુ ગુજરાત સરકારની મહિલાઓ માટેની પ્રોત્સાહક નીતિના પરિણામે મહિલાઓ દરેક ક્ષેત્રમાં ભાગીદારી નોંધાવી રહી છે, મહિલાઓની આર્થિર રીતે પગભર થવાના અભિગમને લીધે સામાજિક સ્તરે પણ નોંધનીય પરિવર્તન જોવા મળી રહ્યા છે.
અમરેલી ડિવિઝનમાં કંડકટર તરીકે ફરજ બજાવતા શ્રી દયાબેન તેરૈયા કહે છે કે, નોકરી દરમિયાન અધિકારીશ્રીઓ, સહકર્મીઓ અને મુસાફરોનો પૂરતો સહયોગ મળી રહે છે. તેમણે કહ્યું કે, ગુજરાત રાજય સરકારે મહિલા સશક્તિકરણ માટે જરુરી નીતિઓ બનાવી તેનું અમલીકરણ કર્યું છે સાથે જ મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે માટે યોગ્ય વાતાવરણ પણ પૂરું પાડ્યું છે.
અમરેલી ડિવિઝનમાં છેલ્લા ૫-૬ વર્ષથી ફરજ બજાવતા મહિલા કંડક્ટર શ્રી હિનાબેન પરિવહન સેવામાં સુખદ અનુભવો રહ્યા હોવાનું જણાવતા કહે છે કે, મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે માટે ગુજરાત સરકારે અનેકવિધ યોજના અમલી કરી છે સાથે મહિલાઓને આગળ વધવા માટે તક પણ ઉપલબ્ધ છે, તેના પરિણામે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં કામ કરતી જોવા મળી રહી છે. આમ, ગુજરાતની જાહેર પરિવહન સેવામાં નારી શક્તિનો પરચમ જોવા મળે છે.
Recent Comments