૧૯૪૭ની સ્વતંત્રતા રાજકીય, સાચી આઝાદી રામ મંદિર પછી મળી : RSS વડા
રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતના એક દાવાથી રાજકીય વિવાદ થયો છે. ભાગવતે કહ્યું હતું કે ભારતને ૧૯૪૭માં બ્રિટિશરોથી રાજકીય આઝાદી મળી હતી જ્યારે દેશને સાચી આઝાદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ મળી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઇ જેના એક વર્ષની ઉજવણી વચ્ચે ભાગવતે આ નિવેદન આપ્યું હતું. જાેકે તેમના આઝાદીના નિવેદનને લઇને ભારે વિવાદ થયો છે અને કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આરએસએસના લોકોને લાગી રહ્યું છે કે રામ મંદિર બન્યું પછી જ દેશ આઝાદ થયો, તેઓને ૧૯૪૭માં મળેલી આઝાદી એટલા માટે યાદ નથી કેમ કે તેઓ દેશની આઝાદી માટે લડયા જ નથી. રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સંપન્ન થયો હતો. તેનો પ્રથમ વાર્ષિક ઉત્સવ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ હિંદુ પંચાગ અનુસાર મનાવવામાં આવ્યો.
જે વચ્ચે સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે રામ મંદિર આંદોલન કોઈની વિરુદ્ધ નહોતું, પણ ભારતના આત્મબોધને જાગૃત કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. ભાગવતે સ્વતંત્રતા પછીના પ્રશાસનની ટીકા કરતા કહ્યું કે ભારતને ૧૯૪૭માં બ્રિટિશરોથી રાજનૈતિક સ્વતંત્રતા તો મળી હતી પણ ભારતના મૂળભૂત દ્રષ્ટિકોણની અવગણના થઈ હતી. તેમણે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસને હજારો વર્ષના વિદેશી શાસનથી મુક્તિના પ્રતીક તરીકે ગણાવ્યો હતો. ભાગવત દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા દિવસને ખરી સ્વતંત્રતા ગણાવતા રાજકીય વિવાદ શરૂ થઈ ગયો હતો. શિવસેના (ઉદ્ધવ)ના સાંસદ સંજય રાઉતે ભાગવતના નિવેદનની ટિકા કરી હતી. તેમણે જણાવ્યું કે ભાગવતે નથી તો સંવિધાન લખ્યું કે નથી તેઓ રામલલાને લાવ્યા. રાઉતે કહ્યું કે રામલલા હજારો વર્ષથી ભારતમાં પૂજાય છે
અને આ મુદ્દે રાજનીતિ ન થવી જાેઈએ. ઉલ્લેખનીય છે કે ગયા મહિના ભાગવતે મંદિર-મસ્જિદ વિવાદોને દુર્ભાગ્યપૂર્ણ બતાવતા કહ્યું હતું કે આવા વિવાદોથી હિંદુ નેતૃત્વનો દાવો કરવો અનુચિત છે. તેમણે કહ્યું હતું કે મંદિર બનાવી લેવાથી કોઇ હિન્દુ નેતા નથી બની જતું. ભાગવતના આ નિવેદનની સંતો દ્વારા ટિકા થઇ હતી, હવે તેમણે મંદિરને દેશની સ્વતંત્રતા સાથે જાેડીને નવો વિવાદ જગાવ્યો છે. મોહન ભાગવતે આ નિવેદન ઇન્દોરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાઇને દેવી અહલ્યા રાષ્ટ્રીય એવર્ડ એનાયત કરતી વખતે આપ્યું હતું. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જે લોકો દેશની આઝાદી માટે નથી લડયા તેઓ આ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે. સંઘવડા ભાગવત અને નરેન્દ્ર મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ભાગવત કહે છે રામ મંદિર બન્યું તે બાદ સ્વતંત્રતા મળી, જ્યારે મોદીને લાગે છે કે વર્ષ ૨૦૧૪માં તેમની સત્તા આવી ત્યારે દેશ આઝાદ થયો.
આ લોકોને ખ્યાલ નથી કે દેશ ૧૯૪૭માં આઝાદ થયો કેમ કે દેશની સ્વતંત્રતા માટે સંઘ કે તેની સાથે જાેડાયેલા લોકોએ કોઇ જ લડાઇ નથી લડી ના કોઇ બલીદાન આપ્યા છે. અમે ૧૯૪૭ની આઝાદીને યાદ રાખીએ છીએ કેમ કે દેશના લોકો આ આઝાદી માટેની લડાઇમાં શહીદ થયા છે. ડો. બાબાસાહેબ આંબેડકરના નિવેદન જે લોકો ઇતિહાસ ભુલી જાય છે તેઓ ઇતિહાસ નથી બનાવી શકતાને ટાંકીને તેમણે ભાજપ-સંઘને ઘેર્યા હતા. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાગવતનું નિવેદન દેશદ્રોહ, કોઇ અન્ય દેશમાં તેઓ આવુ બોલ્યા હોત તો તેમની ધરપકડ થઇ ગઇ હોત. જ્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે મોહન ભાગવતે તાત્કાલીક માફી માગવી જાેઇએ.
Recent Comments