2022માં પોરબંદર વિધાનસભાની બેઠક જનતા કોંગ્રેસને જીતાડશે : વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દ્વારકા ખાતે રાહુલ ગાંધીની ઉપસ્થિતીમાં કોંગ્રેસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા પણ જઇ રહ્યાં છે. ત્યારે તે પહેલા રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીની જન્મભૂમિ પોરબંદરની મુલાકાતે આવ્યા હતાં અને પોરબંદર કોંગ્રેસ પાર્ટીએ વિરોધપક્ષના નેતાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતીમાં દ્વારકા ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ભાગ લેવા જઇ રહેલા કોંગ્રેસના સુખરામ રાઠવાએ પોરબંદરની મુલાકાત લીધી હતી. પોરબંદર કોંગ્રેસ પાર્ટીએ તેમનું હારતોરા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિરની પણ મુલાકાત લીધી હતી અને બાપૂના આર્શીવાદ મેળવ્યા હતાં અને મીડિયા સાથેની વાતચીતમાં સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે આવનારી 2022ની ચૂંટણીમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની બેઠક ઉપર કોંગ્રેસ જે ઉમેદવાર નક્કી કરે તે ઉમેદવારને પોરબંદરની જનતા ચોક્કસ જીતાડશે.
ગુજરાતની વિધાનસભામાં સાશક પક્ષમાં હોય તેવા પોરબંદરની જનતા આર્શીવાદ આપશે તેવું પત્રકાર પરિષદમાં સુખરામ રાઠવાએ કહ્યું હતું. પોરબંદરની મુલાકાતે આવેલા વિરોધપક્ષના નેતાનું સ્વાગત કોંગ્રેસે કર્યું હતું અને કોંગ્રેસ કાર્યાલય ખાતે એક બેઠક પણ યોજાઇ હતી. તેમાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, શહેર પ્રમુખ અતુલભાઇ કારિયા, પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઇ મોઢવાડિયા, યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશભાઇ પરમાર, નગરપાલિકાના કોંગ્રેસના કાઉન્સિલર જીવનભાઇ જુંગી, ઓબીસી સેલના પ્રમુખ વિજયભાઇ બાપોદરા, કોંગ્રેસના કાઉન્સિલર ફારૂકભાઇ સુર્યા, પોરબંદર એનએસયુઆઇના પમુખ કિશન રાઠોડ સહિતના કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments