ગુજરાત

બોપલમાં ૨ બિલ્ડરોએ કરેલી ૩.૩૩ કરોડની છેતરપિંડીનો પર્દાફાશ, પોલીસે છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી

અમદાવાદના બોપલ-ઘૂમામાં ૨ બિલ્ડરોએ ૨૨ માળની બિલ્ડિંગ બનાવાની ખોટી સ્કીમ ઉભી કરીને લોકોના ૩.૩૩ કરોડ ચાઉં કરી ગયા, ફક્ત ૧ વ્યક્તિ પાસેથી ૨.૨૩ કરોડ વસૂલ્યા હતા અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ૨ બિલ્ડરોએ દુકાન અને ફ્લેટ વેચવાના નામે લોકોને છેતર્યા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પ્રિવિલોન બિલ્ડકોન નામની ભાગીદારી પેઢી બનાવીને આરોપીઓએ ઘુમા ગામની સીમમાં નકલી સ્કીમ ઉભી કરી હતી અને લોકો પાસેથી કરોડો રૂપિયા ઉંચા કર્યા હતા. આ મામલે પોલીસે જયદીપ કેતનભાઈ કોટક અને હિરેન અમૃતલાલ કારીયા નામના ૨ બિલ્ડરો સામે ૩.૩૩ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે.

ફરિયાદી ભાવેશભાઈ રવાણીએ આરોપીઓ પાસેથી ફ્લેટ અને દુકાન ખરીદી હતી, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે આ સ્કીમ નકલી હતી. આરોપીઓએ ભેગા મળી પ્રિવિલોન બિલ્ડકોન નામની પેઢી બનાવી હતી અને ખોટો પ્રચાર કર્યો હતો કે તેમણે ઘુમા ગામની સીમમાં જમીન ખરીદી છે અને ત્યાં ૨૨ માળની બિલ્ડિંગ બનાવવાની છે. આ માટે તેમણે સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કર્યો હતો. ભાવેશભાઈ રવાણીએ આરોપીઓ પાસેથી ગ્રાઉન્ડ ફ્લોરની ૧ દુકાન અને ૧ ફ્લેટ ખરીદ્યો હતો. આ માટે તેમણે ૨ કરોડ ૨૩ લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું ત્યારે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે અને લોકોને રોકાણ કરતી વખતે સાવધાન રહેવાની ચેતવણી આપી છે.

Related Posts