અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી એક મોટી ઘટના બની હતી જેમાં જીન્સ બનાવતી એક કંપનીમાં કાપડ ધોવા માટે ઉપયોગમાં આવતી ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકોના કરૂણ મોત નિપજ્યાં છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
દાણીલીમડા વિસ્તારમાં ખોડિયારનગર પાસે જીન્સ બનાવતી કંપનીમાં ત્રણ યુવકોના ટાંકીમાં ડૂબવાથી મોત નિપજ્યા છે. આ યુવકોની ઓળખ સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર તરીકે થઈ છે. મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે, કંપનીની બેદરકારીના કારણે ત્રણેય શ્રમિકોના મૃત્યુ થયા છે. મૃતકોના મૃતદેહ આખી રાત ટાંકીમાં જ પડ્યા રહ્યાનો દાવો કરાયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી અને મૃતકોના મૃતદેહોને મણિનગરની એલ. જી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે. ત્રણેય યુવકોની ઉંમર ૨૫-૩૦ વયની વચ્ચે હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ત્રણેય મૃતક નાઇટ શિફ્ટ દરમિયાન કામ કરી રહ્યા હતાં, સફાઇ માટે તેઓ વૉશિંગ ટાંકીમાં ઉતર્યા હતા. પરંતુ બહાર આવવામાં નિષ્ફળ ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં જ પરિવારજનો એલ.જી હોસ્પિટલ પહોંચ્યા હતા અને કંપની પર ફેક્ટરી મેનેજમેન્ટ તરફથી બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિવારજનોનો દાવો છે કે, કંપનીએ કામદારોને જાેખમી રીતે ટાંકીમાં જ છોડી દીધા હતા.
હોસ્પિટલમાં સ્થિતિ વકરે નહીં તે માટે પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી હતી. પરિવારજનોએ હોસ્પિટલમાં જવાબદાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે હોબાળો કર્યો હતો. જાેકે, આ વિશે ત્યાં હાજર વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાના ક્રમ અને સુરક્ષા પ્રોટોકોલમાં સંભવિત ખામી શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ એક દુ:ખદ ઘટના છે. અમે શ્રમિકો ટાંકીની અંદર કેવી રીતે પહોંચ્યા અને ત્યાં શું કરતા હતા? ત્યાં સુરક્ષાની શું સુવિધા હતી તે વિશે તપાસ કરી રહ્યા છીએ. હાલ પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે, મૃતકોના મોતની સાચી હકીકત પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે. હાલ પોલીસે આ અંગે ત્યાં હાજર અન્ય શ્રમિકો સાથે પૂછપરછ હાથ ધરી છે.
અમદાવાદના દાણીલીમડામાં જીન્સ બનાવતી કંપનીની ટાંકીમાં ઉતરેલા ૩ યુવકોના મોત

Recent Comments