નથી કેવળ અહીં કોઈ ખાસ
અહીં તો શ્વાસ જીવે છે,
દુઃખીના આંસુ લૂંછવાને,
હૃદયમાં ખાસ જીવે છે.
ગુરુકુળના આ આંગણિયે,
પ્રભુતા સાક્ષાત્ પ્રગટી,
જ્યાં માનવતા તણી સેવા,
બની વિશ્વાસ જીવે છે.
–“પાંધી સર”
શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના પાવન ધામ એવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. દર માસના પ્રથમ શુક્રવારે યોજાતી પરંપરા મુજબ, આજરોજ તા. ૦૬-૦૩-૨૦૨૬ના રોજ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પુણ્ય સ્મૃતિમાં ૩૪૫માં નિ:શુલ્ક નેત્ર નિદાન અને દંત ચિકિત્સા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેવા યજ્ઞનો પ્રારંભ સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી, પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી, કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી તેમજ વિરનગર અને રાજકોટના નિષ્ણાત તબીબોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ તકે હોસ્પિટલના ડો. નિલેશભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કેમ્પમાં રાજકોટના જાણીતા ડો. જયસુખભાઈ મકવાણા અને તેમની ટીમ, ડિવાઈન ચેરિટેબલ ટ્રસ્ટના મોનિકાબેન ભટ્ટ, જાગૃતિબેન ચૌહાણ અને ડો. સંજયભાઈ અગ્રાવત દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.
કુલ ૬૦ દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી ૧૭ ગંભીર દર્દીઓને ઓપરેશન માટે સંસ્થાના ખર્ચે વિરનગર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. અન્ય દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા અને દવાઓનું વિતરણ કરાયું હતું.
૪૬ દર્દીઓના દાંત અને પેઢાની તપાસ કરવામાં આવી હતી. વિશેષ આકર્ષણ એ રહ્યું કે, ૯ દર્દીઓની દાઢ આયુર્વેદની ‘જાલંધર બંધ વિધિ’ દ્વારા કોઈપણ પ્રકારના ઇન્જેક્શન વગર કાઢી આપી પીડામાંથી મુક્તિ અપાવી હતી.
આ સમગ્ર કેમ્પના યજમાન પદે મુંબઈ નિવાસી શ્રી ચંદ્રકાંત જીવનલાલ લાખાણી રહ્યા હતા. દર્દી નારાયણની સેવા કાજે સંસ્થા દ્વારા તમામ આગંતુકો માટે ચા અને ખમણના નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ગુરુકુળના સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.
















Recent Comments