fbpx
ગુજરાત

વડોદરામાં તપન પરમારને રહેંસી નાંખનાર નામચીન બાબર પઠાણ સહિત ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી

ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યાના કરવાના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. તપાસ અધિકારી અને સરકારી વકીલની રજૂઆતો ધ્યાને લઇ અદાલતે ચાર આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નાગરવાડામાં રહેતા પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમારના પુત્ર તપન પરમાર પર સયાજી હોસ્પિટલની કેન્ટીન પાસે માથાભારે બાબર પઠાણ અને તેના સાગરીતોએ હુમલો કરતા તેનું મોત થયું હતું.

રાવપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ગઇકાલે ધરપકડ કરી હતી. જેમાં (૧) બાબર હબીબખાન પઠાણ (૨) શકીલહુસેન એહમદભાઇ શેખ(નાગરવાડા,નવરંગ મહોલ્લો) (૩) એઝાઝહુસેન એહમદભાઇ શેખ તથા (૪) શબનમ વસિમ નૂરમહંમદ મનસૂરી નો સમાવેશ થાય છે. ગુનાની તપાસ કરતા એ.સી.પી. એ.વી. કાટકડે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપીઓ પર હુમલો ના થાય તેની તકેદારી રાખી પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો. પોલીસે રિમાન્ડની માંગણી કરતા ૧૧ મુદ્દાઓ રજૂ કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ગુનામાં વપરાયેલ ચપ્પુ કબજે કરવાનું છે.

ચપ્પુ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા ? તેની તપાસ કરવાની છે. આ ગુનામાં સામેલ અને નાસતા ફરતા અન્ય આરોપીઓને હજી પકડવાના બાકી છે. તેઓના આશ્રય સ્થાનો હાલના આરોપીઓ જાણતા હોઇ તેઓને સાથે રાખી તપાસ કરવી જરૃરી છે. બાબર પઠાણ માથાભારે અને ઝનૂની છે. ગુનાઇત માનસિકતા ધરાવતો બાબર તપાસમાં સહકાર આપતો નથી અને સાચી હકીકત જણાવતો નથી. આરોપીઓએ જે ચપ્પુથી હત્યા કરી હતી. તે ચપ્પુ તેઓ જેની પાસેથી લાવ્યા હતા. તેને શોધી કાઢી આરોપીની ઓળખ પરેડ પણ કરાવવાની છે. આ ગુનામાં સામેલ અને નાસતા ફરતા અન્ય આરોપીઓની ભૂમિકા હજી સ્પષ્ટ કરવાની બાકી છે. આ બનાવ હિન્દુ મુસ્લિમ હોવાથી સંવેદનશીલ વિસ્તારમાં પડઘા પડયા છે. આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડયા છે. જેથી, આ બનાવની ઉંડાણપૂર્વક તપાસ કરવી જરૃરી છે.

સરકારી વકીલ અનિલ દેસાઇ ની રજૂઆતો ધ્યાને લઇ અદાલતે આરોપીઓના આગામી તા.૨૨ મી ના સવારે ૧૧ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજવા ચોકડી પાસેથી બાબરના બે ભાઇઓને એસ.ઓ.જી.એ ઝડપી પાડયા નામચીન બાબર પઠાણના બે ભાઇઓને પણ રાતે એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયા હતા. બાબરની જેમ તેના ભાઇ પર પણ ૧૫ ગુનાઓ નોંધાયા છે. તપન પરમારની હત્યામાં સામેલ બાબર પઠાણને પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય આરોપીઓ ભાગી ગયા હતા. બાબરના બે ભાઇઓ મહેબૂબ તથા સલમાન ઉર્ફે સોનુ પઠાણને પોલીસ શોધી રહી હતી. દરમિયાન એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.ડી.રાતડાને માહિતી મળી હતી કે, બાબરના બંને ભાઇઓ આજવા ચોકડી પાસે આવવાના છે. જેથી, એસ.ઓ.જી.ના સ્ટાફે આજવા ચોકડી નજીક વોચ ગોઠવી હતી.

પોલીસે બંનેને ઝડપી પાડી રાવપુરા પોલીસને સોંપી દીધા હતા.મહેબૂબ પઠાણ સામે કારેલીબાગમાં સંખ્યાબંધ જુગારના કેસ નોંધાયા છે. જ્યારે કપડવંજ અને બોરસદ પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ગુનાઓ દાખલ થયા છે. આરોપી સામે કુલ ૧૫ ગુનાઓ નોંધાયા છે. સુરતના એક મર્ડર કેસમાં પણ તેની સંડોવણી હતી. જ્યારે સલમાન ઉર્ફે સોનુ પઠાણ સામે આઠ વર્ષ પહેલા અટકાયતી પગલા ભરવામાં આવ્યા હતા. વિક્રમ પરમાર અને ધર્મેશ પટેલ સામે ગુનો દાખલ કરતી પોલીસ ઇજાગ્રસ્ત વસિમ મનસૂરીએ ફરિયાદ નોંધાવી કારેલીબાગ પોલીસે નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં થયેલી મારામારી અંગે ક્રોસ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. રવિવારની રાતે નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં થયેલી મારામારીમાં ઇજાગ્રસ્ત વિક્રમ પરમારને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મારામારીમાં સામા પક્ષે વસિમ નૂરમહંમદ મનસૂરી(હાથી ખાના મહાવત ફળિયું)ને પણ ઇજા થઇ હોવાથી તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ગઇકાલે વિક્રમની ફરિયાદ નોંધી હતી. જ્યારે ગઇકાલે બપોરે સાડા ચાર વાગ્યે વસિમ મનસૂરીની ફરિયાદ નોંધી છે. જેમાં આરોપી તરીકે વિક્રમ પરમાર તથા ધર્મેશ પટેલને દર્શાવવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts