અમરેલી તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ (શુક્રવાર) આરોગ્ય સેવાઓને જન જન સુધી લઈ જવા માટે અને નાગરિકોના નિરામય સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ કટીબદ્ધ છે. અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વર્ષ દરમિયાન સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિષયક વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની આરોગ્ય વિષયક યોજનાઓ અને સ્વાસ્થ્ય કાર્યક્રમો સુધી છેવાડા માનવીને સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત થઈ રહી છે.
રાજ્ય સરકારની મા યોજના અને મા વાત્સલ્ય યોજનાનું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં રુપાંતરણ કરવામાં આવ્યુ છે. જિલ્લામાં ચાલુ વર્ષે ૪૦,૯૭૫ આરોગ્ય કાર્ડ કાઢવામાં આવ્યા છે. નાગરિકોને રુ.૧૦ લાખનું આરોગ્ય કવચ પ્રાપ્ત થયું છે. જિલ્લાના ૯૩ આરોગ્ય કેન્દ્રો અને KIOSK સેન્ટર ખાતે કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવે છે, જેમાં વર્ષ દરમિયાન રુ.૩૫.૨૬ કરોડના ખર્ચે ૧૯,૩૩૦ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળ્યો છે.
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત ૫,૩૩૦ નાગરિકોને રુ.૧,૮૯,૨૩,૦૦૦ હજારની સહાય ચૂકવવામાં આવી છે. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત રુ.૧૭,૪૪,૭૭૪ની સહાય લાભાર્થીઓને ચૂકવવામાં આવી છે.
શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૩,૫૫,૬૨૪ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી. જેમાંથી હ્યદયના ૧૯૬, કિડનીના ૮૫, કેન્સરના ૫૫, થેલેસેમિયાના ૯, ડેફ એન્ડ મ્યૂટ ૨૭ અને આ સિવાય ૧૮ વર્ષથી નાની ઉંમરના ૧૩૯ બાળકોને મોટી ગંભીર બીમારીમાં વિના મૂલ્યે રાજ્ય સરકારની આરોગ્યલક્ષી વિવિધ યોજનામાંથી ઉચ્ચકક્ષાની હોસ્પિટલમાં ઓપરેશન અને સારવાર આપવામાં આવી છે. જરુરિયાતવાળા ૧,૪૨૭ બાળકોને નંબરના ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવ્યા છે.
નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત જિલ્લામાં ૨,૪૩,૮૯૮ વધુ નાગરિકોએ બિનચેપી રોગોનું સ્ક્રિનિંગ કરાવ્યું હતું. વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન માતૃબાળ કલ્યાણ પ્રોગ્રામ અંતર્ગત ડિસેમ્બર-૨૦૨૪ અંતિત ૨૨,૬૧૩ સગર્ભા માતાઓનું રજિસ્ટ્રેશન કરી સારવાર આપવામાં આવી છે તથા ૨૩,૦૦૧ બાળકોને ૧૧ જેટલા રોગો સામે રક્ષણ માટે વિવિધ રસીઓથી રક્ષિત કરવામાં આવ્યા છે.
વર્ષ-૨૦૨૪ દરમિયાન કેરિયાનાગસ, હાથસણી, માંડવડા અને અમૃતવેલ સબ સેન્ટરના નવા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું. પી.એચ.સી. ખંભાળા, આંબરડી, જૂના સાવર તથા ૧૯ સબ સેન્ટરના નવા ભવન બનાવવા માટેની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રુ.૫૧.૯૪ કરોડ મંજૂર થયેલા બજેટ સામે ડિસેમ્બર-૨૪ અંતિત રુ.૨૬.૯૪ કરોડનો ખર્ચ થયો છે.
Recent Comments