ગુજરાત

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી રાત્રે 8 વાગે છોડાયું 4,45,000 ક્યુસેક પાણી; 3 જીલ્લાઓ એલર્ટ પર

ગુજરાતમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સંજોગોમાં વર્તમાન ચોમાસામાં આજે સવારના 6 વાગ્યા સુધીના સમયગાળામાં, ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ 92 ટકા નોંધાયો છે. રાજ્યમાં પડેલા વરસાદને પગલે, 82 ડેમ છલ્લોછલ ભરાઈને છલકાઈ ગયા છે. જ્યારે 68 ડેમ 70થી 100 ટકાની વચ્ચે ભરાયેલા છે.

ઉપરવાસમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ રહી છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના વધુ દરવાજા ખોલીને કૂલ 4,45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાની ફરજ પડી છે. રાત્રે 8 વાગ્યા બાદ, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયું હતું. જેના પગલે, નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ કરાયા છે.

કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આવકને પગલે, સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. આજે રાત્રે 8 કલાકથી સરદાર સરોવરના ગેટ મારફતે 4,00,000 કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવામં આવશે. જ્યારે પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક પાણી પણ નદી-કેનાલમાં છોડવામાં આવશે. આમ સરદાર સરોવરમાંથી કુલ 4,45,000 કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવાનો નિર્ણય લેવાયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે હાલ પાણીની આવક 4.59 લાખ ક્યુસેકની છે. સરદાર સરોવર ખાતે હાલની જળ સપાટી 135.64 મીટરે પહોચી ગઈ છે. ઉપરવાસમાંથી થઈ રહલ પાણીની આવકને પગલે, નર્મદા ડેમ 89.95 % ભરાઈ ગયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવનારા 4,45,000 ક્યુસેક પાણીને કારણે, નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું છે. નર્મદા, વડોદરા અને ભરૂચના જિલ્લા કલેક્ટરને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સાવચેત રહેવા જાણ કરાઈ છે.

Related Posts