ટ્રમ્પના પ્રમુખ બનતાની સાથે જ ૫૩૮ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ
ફરી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાંથી હાંકી કાઢવાનો ર્નિણય લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. દરમિયાન, ગુરુવારે સેંકડો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે યુએસ સત્તાવાળાઓએ ૫૩૮ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી છે અને સેંકડોને લશ્કરી વિમાનનો ઉપયોગ કરીને દેશનિકાલ કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા પછી તરત જ ઘણા મહત્વપૂર્ણ ર્નિણયો લીધા હતા. સૌ પ્રથમ, તેણે બિડેન વહીવટીતંત્રના ૭૮ ર્નિણયો રદ કર્યા. તે જ સમયે, યુએસ-મેક્સિકો સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. આ સિવાય ટ્રમ્પે જાહેરાત કરી કે મેક્સિકો બોર્ડર પર ફરીથી દિવાલ બનાવવામાં આવશે. સંરક્ષણ વિભાગે બુધવારે જાહેરાત કરી હતી કે તે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઇમિગ્રેશન ઓર્ડરને લાગુ કરવા માટે દક્ષિણ સરહદ પર વધારાના ૧,૫૦૦ સૈનિકો મોકલશે. ત્યાં પહેલેથી જ લગભગ ૨,૫૦૦ યુએસ નેશનલ ગાર્ડ અને રિઝર્વ ફોર્સ છે. કયા સૈનિકો અથવા એકમો જશે તે હજુ સ્પષ્ટ નથી.
આ બાબતે કેરોલીન લેવિટે જણાવ્યું હતું કે, “ટ્રમ્પ વહીવટીતંત્રે ૫૩૮ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી છે, જેમાં એક શંકાસ્પદ આતંકવાદી, ટ્રેન ડી અરાગુઆ ગેંગના ચાર સભ્યો અને સગીરો સામેના જાતીય અપરાધોમાં દોષિત અસંખ્ય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો સમાવેશ થાય છે.”
“ટ્રમ્પ વહીવટીતંત્રે સેંકડો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લશ્કરી વિમાન દ્વારા દેશનિકાલ પણ કર્યા. ઇતિહાસમાં સૌથી મોટી દેશનિકાલ ઝુંબેશ સારી રીતે ચાલી રહી છે. વચનો આપ્યા. વચનો પાળ્યા,” તેમણે કહ્યું. વ્હાઇટ હાઉસે વધુમાં કહ્યું કે સરકાર આપણા દેશની સરહદોને સુરક્ષિત કરવા માટે શું કરી રહી છે તેની આ એક નાની ઝલક છે.
Recent Comments