રાષ્ટ્રીય

છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૫૬૪ નવા કેસ નોંધાયા; એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪,૮૬૬ થઈ

સમગ્ર દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૪,૮૬૬ થઈ ગઈ છે કારણ કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૫૬૪ નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હીમાં ૧૦૫ નવા કેસ નોંધાયા છે. ૩૯૫૫ લોકો સ્વસ્થ પણ થયા છે.
દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી બે દર્દીના મોત
સરકારી આંકડા અનુસાર, દિલ્હીમાં કુલ ૫૬૨ કોરોનાના સક્રિય કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં બે દર્દીઓના મોત થયા છે. જેમાં પાંચ મહિનાની એક બાળકી અને ૮૭ વર્ષનો એક પુરુષનો સમાવેશ થાય છે. બાળકીને શ્વાસ લેવામાં તકલીફની સાથે ન્યુમોનિયા પણ હતો. આ ઉપરાંત ૮૭ વર્ષીય વૃદ્ધને હૃદય અને કિડનીની સમસ્યાઓ સહિત અન્ય સમસ્યાઓ પણ હતી.
કર્ણાટકમાં એક ૬૫ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેમને બ્લડ પ્રેશરની સમસ્યા હતી અને તેઓ છેલ્લા ચાર મહિનાથી કીમોથેરાપી લઈ રહ્યો હતો. આ ઉપરાંત ૪૨ વર્ષીય એક પુરુષ જે કોરોના પોઝિટિવ દર્દી હતો તેનું પણ મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમાં બે ૭૩ વર્ષીય વૃદ્ધ અને એક ૭૯ વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. ત્રણેય કોરોના પોઝિટિવ હતા પરંતુ તેમને અન્ય રોગો પણ હતા.
તેમજ અન્ય રાજ્યોની વાત કરીએ તો કેરળમાં સૌથી વધુ ૧૪૮૭ સક્રિય કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૧૧૪ નવા કોરોના કેસ નોંધાયા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, બંગાળ અને ગુજરાતમાં પણ ૫૦૦થી વધુ સક્રિય કેસ છે.
સૌથી ઓછા કેસ ધરાવતા રાજ્યોની વાત કરીએ તો, તેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, ચંદીગઢ, ગોવા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મિઝોરમ, સિક્કિમ, તેલંગાણા, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કોરોના કેસની સંખ્યા ૧૦થી ઓછી છે.

Related Posts