ભારત સામે યુદ્ધમાં મ્હાત બાદ પાકિસ્તાને હવે અફઘાનિસ્તાન સાથે પંગો લીધો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈકના જવાબમાં તાલિબાને પાકિસ્તાની સેના પર ભીષણ હુમલો કર્યો છે. APના અહેવાલ અનુસાર તાલિબાનનો દાવો છે કે અફઘાનિસ્તાનની સેનાએ લીધેલા બદલામાં પાકિસ્તાનના 58 સૈનિકો ઠાર થયા છે જ્યારે 30 ઈજાગ્રસ્ત છે. તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહનો દાવો છે કે અફઘાનિસ્તાનની સેનાએ પાકિસ્તાનની 25 ચોંકી પર કબજો કરી લીધો છે. તાલિબાન સરકારે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે જો કોઈ પણ અફઘાનિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરશે તો અફઘાનિસ્તાનની સેના તેનો જડબાતોડ જવાબ આપશે. અમારી સેના સરહદની સુરક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર છે. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે પાકિસ્તાન આ હુમલાનો મજબૂતી સાથે જવાબ આપશે. નોંધનીય છે કે પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈકનો બદલો લેવા માટે તાલિબાને પાકિસ્તાનની સરહદ પર શનિવારે રાત્રે હુમલો કર્યો. અફઘાનિસ્તાનની સેના સરહદ ( Durand Line ) ઓળંગી પાકિસ્તાનમાં ઘૂસી ગઈ અને 25 ચોકી પર કબજો કરી લીધો. તાલિબાને પાકિસ્તાનની અનેક પોસ્ટ તબાહ કરી નાંખી.
સમાચાર એજન્સી ANIના અહેવાલ અનુસાર પાકિસ્તાનના જવાબી હુમલામાં અફઘાનિસ્તાનની પણ કેટલીક ચોકીઓને નુકસાન થયું છે. પાકિસ્તાનના ગૃહમંત્રી નકવીએ કહ્યું છે, કે અફઘાનિસ્તાનની સેના રહેણાંક વિસ્તાર પર હુમલા કરી રહી છે જે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. અમારી સેના જડબાતોડ જવાબ આપી રહી છે.
નોંધનીય છે કે પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાન તહેરિક-એ-તાલિબાન નામના સંગઠનના બળવાખોરોને શરણ આપે છે. જેને લઈને બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.


















Recent Comments