ગુજરાત

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા વડોદરાના આજવા સરોવરના 62 દરવાજા, સરદાર સરોવર ડેમના પણ વધુ દરવાજા ખોલવામાં આવ્યા

દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા વડોદરાના આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીની આવક અને શહેરના વરસાદને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. હજુ સુધી વડોદરા શહેર માટે કોઈ પણ ચિંતાનો વિષય બન્યો નથી. આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર 10 ફૂટ પર પહોંચી છે. જેથી તંત્રએ સાવચેતીના પગલે સ્થાનિકોને નદીકાંઠે ન જવા માટે અપીલ કરી છે.

નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા

બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની ધરખમ આવક થઈ છે. જેના પગલે આ વર્ષે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાંથી 5 લાખ 30 હજાર 291 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલમાં નર્મદા ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 40 સેમીનો વધારો થયો છે.

નર્મદા ડેમના 23 ગેટ 2.50 મીટર સુધી ખોલાયા છે. હાલ નર્મદા ડેમ 90 ટકા ભરાયો હતો. જેના કારણે નર્મદા નદીમાં 4 લાખ 46 હજાર 451 ક્યુસેક પાણી છોડાયું છે. નર્મદા નદીમાં પાણી છોડાતા ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Related Posts