લીલીયા તાલુકાના સલડી ગામે ગત મોડી રાત્રે ૧૭ લોકોએ એકસંપ કરી ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારનું મનદુઃખ રાખી ૭ લોકો પર જીવલેણ હુમલો કરતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. હુમલાખોરોએ ફરિયાદી સહિત સાહેદોને પાઈપ, ધોકા, સોડાની બોટલથી માર માર્યો હતો. લીલીયા તાલુકાના સલડી ગામના હાલ સુરત ગામે રહેતા ભુપતભાઈ જીવાભાઈ રામાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, દિવાળીની રાત્રે બે મિત્રો સાથે ગામમાં આવેલ આઈસ્ક્રીમની દુકાને બેઠા હતા ત્યારે ભુપતભાઈના ભત્રીજાનો દીકરો અક્ષીલ દિનેશભાઈ રામાણી, કેવલ દિનેશભાઈ રામાણી અને ચેતન કનુભાઈ રામાણી રોડ પર જતા હતા ત્યારે ગામમાં રહેતા પાર્થ અશોકભાઈ ડેરે ત્રણેય સામુ જાઈ ગાળ બોલી હતી જેથી કેવલે આરોપી પાર્થ સામે જાતા પાર્થે કેવલની ગળાચીપ પકડી હતી. આ સમયે ગામમાં રહેતા અન્ય આરોપી અલ્પેશ ગોવિંદભાઇ ડેર પોતાના હાથમાં લાકડાનું બેટ લાવી તેમજ મહેશ ગોવિંદભાઇ ડેર પોતાના હાથમાં ધોકો, રણજીત મેહુરભાઇ ડેર સહિત ૧૭ લોકોએ એકસંપ કરી ત્રણેય લોકોને આડેધડ માર મારતા ત્યાં હાજર રહેલા ભુપતભાઇના કૌટુંબિક ભત્રીજા રમેશભાઇ કડવાભાઇ રામાણી, કનુભાઇ જીવાભાઇ રામાણી, હર્ષદ માંદળીયા ત્રણેય લોકોને બચાવવા વચ્ચે પડતા તમામ આરોપીઓ વચ્ચે પડનાર માણસોને પણ આડેધડ માર મારવા લાગ્યા હતા જેમાં ફરિયાદી ભુપતભાઇ પણ વચ્ચે પડતા અલ્પેશ ગોવિંદભાઇ ડેરે બેટનો ઘા માથામાં મારતા માથામાં ગંભીર ઇજા પહોચી હતી. આરોપી ભવદીપ દિલિપ ડેરે અક્ષીલની ડાબી આંખ પાસે તથા ડાબા જડબા પર કાચની બોટલ મારતા ગંભીર ઇજા પહોચી હતી. એક સાથે ૧૭ લોકોએ હુમલો કરતા ઇજા પામનાર મહા મુસીબતે નાસી છુટ્યા હતા અને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા. આ ઘટનાની જાણ ગામલોકોને થતા હોસ્પિટલે લોકો આવી પહોચ્યા હતા. આ ઘટનાની જાણ લીલીયા પોલીસને કરવામાં આવી હતી.
મોડી રાત્રે લીલીયા પોલીસ સ્ટેશને ગ્રામજનોના ટોળા ઊમટયા
સલડી ગામના ૧૭ આરોપીઓએ એકસંપ થઈ સાત લોકો પર હુમલો કર્યા હોવાની ઘટના સામે આવ્યા બાદ મોડી રાત્રે ગ્રામજનો લીલીયા પોલીસ સ્ટેશન ખાતે ધસી ગયા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
જુના મનદુઃખમાં હુમલો કરાયો
આ અંગે જાણવા મળતી માહિતી મુજબ ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આરોપીઓની પેનલ હારી જતા મત ગણતરીના દિવસે ફરિયાદી ભુપતભાઇના કૌટુંબિક પ્રજ્ઞેશ રમેશભાઇ રામાણીને માર મારેલ હતો. જે બાબતે પ્રજ્ઞેશભાઇએ આરોપીઓ સાથે લીલીયા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી તેમજ થોડા સમય પહેલા પણ આરોપીઓએ માથાકુટ કરતા પ્રજ્ઞેશભાઇ સાથે અંકિત ભુપતભાઇ રામાણી લીલીયા પોલીસ સ્ટેશને જતા હોય તેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.
૧૭ આરોપીઓ સામે લીલીયા પોલીસે ગુનો નોંધ્યો
લીલીયા તાલુકાના સલડી ગામે રહેતા પાર્થ અશોકભાઇ ડેર, અલ્પેશ ગોવિંદભાઇ ડેર, મહેશ ગોવિંદભાઇ ડેર, રણજીત મેહુરભાઇ ડેર, મિલન જગાભાઇ ડેર, મનુ દેહાભાઈ ડેર, જીતુ મનુભાઇ ડેર, ધર્મેશ વિક્રમભાઇ ભેડા, લલીત ભુરાભાઇ ડેર, પીંટુ ખોડાભાઇ ડેર, રમેશ લખુભાઇ ડેર, જગદીસ દડુભાઇ ડેર, ચંદુ દડુભાઇ ડેર, હરેશ દડુભાઇ ડેર, પરેશ ભુપરભાઇ ડેર, પરેશ રાવતભાઇ ડેર, ભવદીપ દીલિપભાઇ ડેર સામે લીલીયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


















Recent Comments