અમરેલી

જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ ઉજવાયો : અમરેલી જિલ્લામાં ગ્રીન કવર વધારવા સંકલ્પ

રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન તથા નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને ૭૬મા વન મહોત્સવની ઉજવણીમાં અમરેલી જિલ્લામાં ગ્રીન કવર વધારવાના પુણ્ય સંકલ્પ લેવામાં આવ્યો છે.

લાઠી માર્કેટિંગ યાર્ડ ખાતે વન મહોત્સવની ઉજવણીમાં સહભાગી બનતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, માનવીય જીવન માટે અદ્વિતીય મહત્વ રહેલું છે, વૃક્ષોનું પ્રમાણ ઘટે તો પર્યાવરણીય અસમતુલા સર્જાય છે. વૃક્ષો જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી શોષીને પ્રાણવાયુ ઓક્સિજન આપે છે. આ ઓક્સિજનનું મહત્વ આપણે કોરોનાકાળમાં સુપેરે સમજ્યા છીએ. ત્યારે પર્યાવરણીય સંતુલન જાળવવા વૃક્ષોનું વાવેતર અનિવાર્ય છે.

તેમણે પરિવારના દરેક સભ્ય એક વૃક્ષનું વાવેતર અને તેનો ઉછેર કરવાનો સંકલ્પ લેવાનો અનુરોધ કરતા કહ્યું કે, તત્કાલીન કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ મુનશીએ વર્ષ ૧૯૫૦માં વન મહોત્સવની શરૂ કરેલી પરંપરા આગળ ધપીને આજે ૭૬મો વન મહોત્સવ ઉજવી રહ્યા છીએ.

રાજ્ય સરકારે પણ ગુજરાતને હરિયાળું બનાવવા માટે નવીન આયામો શરૂ કર્યા છે. તે જ શૃંખલામાં રાજ્યમાં સાંસ્કૃતિક વનો ઉભા કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગળતેશ્વર ખાતે નિર્મિત ૨૪મા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કર્યું હતું. આમ, સાંસ્કૃતિક વનોની હારમાળામાં ઉમેરો થઈ રહ્યો છે.

 અમરેલી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક પેડ મા કે નામ’ વૃક્ષારોપણની પહેલથી લોકો માત્ર વૃક્ષનું વાવેતર કરવા પૂરતા સિમિત ન રહેતા તેના ઉછેર કરવા માટે પણ પ્રેરિત થયા છે. તેમણે કહ્યું કે, વન મહોત્સવના કાર્યક્રમો થકી લોકો વૃક્ષોના વાવેતર માટે પણ પ્રેરિત થઈ રહ્યા છે. તેમણે સલામત ભવિષ્ય માટે અચૂક વૃક્ષોના વાવેતર માટે અપીલ પણ કરી હતી.

સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ પણ પ્રસંગિક સંબોધનમાં સૌના સહિયારા પ્રયાસોથી વૃક્ષોના વાવેતર જતન માટે પ્રેરણાદયી વાત કરી હતી.

આઈ.એ.એસ શ્રી અભિષેક સામરીયાએ વનોને જીવન ચક્રનો આધાર સ્તંભ ગણાવતા કહ્યું કે, ગુજરાત સરકારની જુદી જુદી યોજનાઓના માધ્યમથી ગ્રીન કવર વધારવામાં આવી રહ્યું છે, અમરેલી જિલ્લામાં ૧૨ હેક્ટરમાં ૧૦ વન કવચ ઊભા કરવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, વધતી જતી કુદરતી આફતો સામે પર્યાવરણ સંતુલન જાળવવું ખૂબ મહત્વનું બની રહે છે, જે વૃક્ષ ઉછેરના માધ્યમથી જ શક્ય બનશે.

આ પ્રસંગે એગ્રો ફોરેસ્ટ્રી યોજનાના પાંચ લાભાર્થી ખેડૂતોને ૧૪,૨૦૦ વૃક્ષોના વાવેતર માટે સહાયપેટે કુલ ૯૮ હજારની સહાય વિતરિત કરવામાં આવી હતી.

લાઠી માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો અને ધારાસભ્ય શ્રી જનક તળાવીયાએ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાનું વિશેષ સ્વાગત-સન્માન કર્યું હતું. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક ડી.એચ. ભારાઇએ શાબ્દિક સ્વાગત અને મદદની વન સરક્ષક શ્રી રાજન જાદવે આભાર વિધિ કરી હતી.

કાર્યક્રમના પ્રારંભમાં કલાપી વિનય મંદિર અને એન એચ સંઘવી હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત કરી મહાનુભાવોને આવકાર્ય હતા.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા, લાઠી તાલુકા પ્રમુખ શ્રી મધુભાઈ નવાપરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અતુલભાઇ કાનાણી, લાઠી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી દકુભાઈ પડશાળા, અગ્રણી સર્વશ્રી ભાવનાબેન ગોંડલીયા, ભરતભાઈ ડેર, ધર્મેશભાઈ સોની, હિંમતભાઈ રાઠોડ, પ્રકાશભાઈ મેર, બાબુભાઈ ધોળકિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts