આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્યવાન ગણાતા પદાર્થ એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટીની ગેરકાયદેસર હેરાફેરી કરતા 9 લોકોની સુરતની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓની ઉંમર 19થી 23 વર્ષની આસપાસની છે. ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ધવલગિરી અપાર્ટમેન્ટ નજીક દરોડો પાડવામાં આવ્યો હતો.
આ મામલે સુરત પોલીસે આરોપીઓ પાસેથી કુલ 8.773 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલો એમ્બરગ્રીસની કિંમત લગભગ ₹1 કરોડ ગણાય છે. તે મુજબ જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ.8 કરોડ 88 લાખ 43 હજાર આંકવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ એમ્બરગ્રીસનો જથ્થો ભાવનગર સાઇડના દરિયામાંથી લાવવામાં આવ્યો હતો.
તે જાણવું ખુબ મહત્વનું છે કે, એમ્બરગ્રીસનો મુખ્ય ઉપયોગ મોંઘા પરફ્યુમ અને મેડિસિન ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી એમ્બરગ્રીસ ઉપરાંત બે વાહનો અને નવ મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. વ્હેલ માછલી એક સંરક્ષિત પ્રજાતિ હોવાથી પોલીસે તમામ આરોપીઓ અને જપ્ત કરાયેલા મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપરત કર્યા છે.
Recent Comments