ભાવનગર

૯૯-મહુવા વિધાનસભા મતવિસ્તારમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ અંતર્ગત પદયાત્રા યોજાઇ

ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિની
ઉજવણીના ભાગરૂપે આજરોજ ૯૯ – મહુવા વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલની પ્રેરક
ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાઇ હતી.

આ પદયાત્રા મહુવા વિધાનસભા મતવિસ્તારના ઓથા ગામથી શરૂ કરી બોડા, માળવાવ અને કળસાર ગામે
પહોંચી હતી. બોડા, માળવાવ અને કળસાર ખાતે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
“એક પેડ મા કે નામ” ની થીમના અનુસંધાને ૫૬૨ વૃક્ષનું વાવેતર કરી “સરદાર સ્મૃતિ વન” નું પણ નિર્માણ
કરવામાં આવનાર છે.
આ પદયાત્રાના પ્રારંભે મહુવાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલે જણાવ્યું કે, સમગ્ર દેશમાં લોહપુરુષ સરદાર
વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, તેના ભાગરૂપે આપણા ગુજરાત
રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આ પદયાત્રાનું આયોજન કરાયું છે.
તેમણે કહ્યું કે, આઝાદીના સંઘર્ષમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આપેલ યોગદાનને આપણે ભૂલી
શકાય નહીં. દેશના તત્કાલિન ગૃહમંત્રી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૨ દેશી રજવાડાઓને એક કરવાનું
ભગીરથ કાર્ય કરી અખંડ ભારતના નિર્માણનું કામ હાથ ધર્યું હતું. અંગ્રેજોના શાસનને હટાવી અખંડ ભારત
બનાવવાના તેમના તમામ પ્રયત્નો આજની યુવા પેઢીને જાણકારી મળી રહે તે માટે યાત્રાનું આયોજન કરાયું છે.
તેમણે ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરતા કહ્યું કે, ભારત દેશની આઝાદી બાદ
૫૬૨ દેશી રજવાડાઓનું એકીકરણ હાથ ધરવામાં આવ્યું તે સમયે આપણા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ
આપણું ભાવનગર સ્ટેટ એક રાષ્ટ્રના નિર્માણ માટે સૌપ્રથમ અર્પણ કરી દેશને એક કરવા માટે અન્ય રજવાડાઓને
પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ આજની યુવા પેઢીમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોનું વાવેતર થાય,
તેમના કાર્યથી યુવાનો અવગત થાય તથા તેમના જીવનમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર
સેવામાં નાગરિકો જોડાય તે માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
સરદાર વલ્લભભાઈ પટેલની અવિસ્મરણીય રાષ્ટ્રીય સેવાઓને સ્મરણ કરવા માટે યુનિટી માર્ચ પદયાત્રાનું
આયોજન કરવામાં આવ્યું છે. આશરે ૧૨ કિલોમીટરની આ પદયાત્રાના રૂટ પર વિવિધ આગેવાનો દ્વારા પદયાત્રાનું
ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રાનું ઠેર – ઠેર ઢોલ – શરણાઈ, પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. “જય સરદાર”, “સરદાર
વલ્લભભાઈ પટેલ અમર રહો” નાં નારાઓ સાથે પદયાત્રા નીકળી હતી.
આ યુનિટી માર્ચ પદયાત્રામાં અગ્રણી શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, મહુવા પ્રાંત અધિકારીશ્રી ધવલ રવૈયા,
તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, નિવૃત્ત આર્મી જવાનો, એન.સી.સી. કેડેટ્સ, મહુવાના નાગરિકો, વિદ્યાર્થીઓ,
સહકારી સંસ્થાઓ, વિવિધ રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ, રમતવીરો જોડાયા હતા.

Related Posts