fbpx
અમરેલી

નાવડા-ચાવંડ પાઇપલાઇન થકી રાજ્ય સરકારે નેવાના પાણી મોભે ચડાવ્યા છે : CM વિજયભાઇ રૂપાણી

કિસાનોની પાણી અને વીજળીની આવશ્યકતા પૂર્ણ કરવા રાજ્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સગૌરવ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ‘‘સૌની’’ યોજનાના એક ભાગ જેવી નાવડા-ચાવંડ બલ્ક પાઇપલાઇન યોજનાનો શુભારંભ કરીને નેવાના પાણી મોભે ચડાવ્યા છે.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ખાતેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યભરના કિસાનોને ધરપત આપતા જણાવ્યું હતું કે રાજ્યના કિસાનોની વીજળી અને પાણીની જરૂરિયાતો પૂરી કરવા રાજ્ય સરકાર સંપૂર્ણતયા પ્રતિબદ્ધ છે. ઓછા વરસાદની કુદરતી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રના લોકોને હિજરત ન કરવી પડે, તે માટે રાજ્ય સરકાર ગુડ ગવર્નન્સના માધ્યમ થકી પરિપૂર્ણ આયોજન કરી રહી છે, તેની પણ ટૂંકી વિગતો મુખ્યમંત્રીશ્રી આ તકે વર્ણવી હતી


મુખ્યમંત્રીશ્રીએ નર્મદા પાઇપલાઇન અને ડિસેલિનેશન પ્લાન્ટસના સમન્વય થકી સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી, અને ઉમેર્યું હતું કે આવનારા સમયમાં દરિયા અને નદીના પાણીનો આ સંગમ સીમાચિન્હરૂપ સાબિત થશે.
ગુજરાત રાજ્યને પાણીની સુવિધાવાળું રાજ્ય બનાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી પરિપ્લાવિત થયેલી ‘‘સૌની’’ યોજના વર્ષ-૨૦૨૧માં પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈએ છેલ્લા બે દિવસમાં રાજ્યભરમાં કરેલા રૂ. ૧૯૭૬ કરોડના વિકાસકામોની આછેરી ઝલક રજૂ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ પાણીને પ્રગતિનું પ્રતીક ગણાવતાં એવો આશાવાદ પ્રગટ કર્યો હતો કે ગુજરાતના વિકાસની સંભાવનાને સાકાર કરનારી ‘‘સૌની’’ યોજના વિકાસના તમામ ક્ષેત્રોમાં અમરેલીને અવ્વલ બનાવશે. આ તકે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા અને રાજવી કવિ કલાપીનું સ્મરણ કર્યું હતું.

 મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂ. ૬૪૪ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન યોજનાનું ઇ ડિજિટલ તકતી અનાવરણ થકી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેનાથી અમરેલીના ધારી, બાબરા અને સાવરકુંડલા સહિત જુનાગઢ, પોરબંદર, બોટાદ, રાજકોટ જિલ્લાના ૧૨૯૮ ગામો અને ૩૬ શહેરોની ભવિષ્યની કુલ ૩૩ લાખની વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે
દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ પાણી પુરવઠા વિભાગના સચિવ શ્રી મયુર મહેતાએ આમંત્રિતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું. અમરેલી જિલ્લાના મહાનુભાવો તથા શ્રેષ્ઠીઓએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થનાર નાવડા-ચાવંડ બલ્ક પાઇપલાઇન યોજનાની વિગતો દર્શાવતી ટૂંકી ડોક્યુમેન્ટ્રીનું આ પ્રસંગે પ્રસારણ કરવામાં આવ્યું હતું.
  પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ યોજનાને પીવાના પાણીની આંતર માળખાકીય સુવિધા ઊભી કરવાના રાજ્ય સરકારના સરાહનીય પ્રયાસોના ભાગરૂપ ગણાવી હતી અને વર્તમાન સંજોગોમાં વધેલી પાણીની જરૂરિયાત ની પૂર્તતા આ યોજનાથી થઈ શકશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
  સંસદસભ્યશ્રી નારણભાઈ કાછડીયાએ પ્રાસંગિક પ્રવચનમાં પાણી વિતરણ ક્ષેત્રે રાજ્ય સરકારે અમલી બનાવેલી વિવિધ યોજનાઓની ટુંકી વિગતો આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થનાર આ યોજનાથી પાંચ જિલ્લાના આશરે ૬૭ લાખ લોકોને આ યોજનાનો લાભ મળશે. રાજ્ય સરકારે અમરેલી જિલ્લાના કિસાનો માટે કરેલી નાણાકીય ફાળવણી અને અન્ય લોક કલ્યાણલક્ષી યોજનાઓની ટૂંકી વિગતો પણ તેમણે પોતાના વક્તવ્યમાં વણી લીધી હતી.

નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચાડવાના આ કામો માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજિત રૂ. ૬૪૪ કરોડની જરૂરી મંજુરી આપવામા આવી હતી. જે જુન ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. રાજ્ય સરકારની આ યોજનાથી બોટાદ, અમરેલી, ,જુનાગઢ, રાજકોટ અને

પોરબંદર જિલ્લાના કુલ ૧૨૯૮ ગામો અને ૩૬ શહેરોની ભવિષ્યની કુલ ૩૩ લાખની વસ્તીને વધારાના પીવાના પાણીનો લાભ મળી શકશે.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા,જિલ્લા ભા.જ.પ.પ્રમુખશ્રી કૌશિકભાઇ વેકરિયા, ગુજકોમાસોલના ચેરમેનશ્રી દિલીપભાઇ સંઘાણી, પૂર્વ મંત્રી શ્રી વી. વી. વઘાસિયા અને બાવકુભાઈ ઉંધાડ, ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી હીરાભાઇ સોલંકી, કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ચીફ જનરલ મેનેજરશ્રી નીરવ સોલંકી, જૂનાગઢના મુખ્ય ઇજનેર સુશ્રી ભારતીબેન મિસ્ત્રી, સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts