લૉકડાઉન પછી ૫ લાખથી વધુ નવી નોકરી, ૨૦૨૧માં નોકરી વધશે
દુનિયાભરમાં કોરોનાને કારણે લોકોએ નોકરી અને પગાર પર ઘણી જ ખરાબ અસર થઈ છે. પણ હવે દેશમાં ફરી નોકરી મળવા માંડી છે. ઈપીએફઓના તાજા આંકડા મુજબ મે મહિનાથી ઓક્ટોબર મહિના વચ્ચે ૫,૨૬,૩૮૯ લોકોને વિવિધ ક્ષેત્રમાં નવી નોકરી મળી. સારી વાત એ છે કે વાર્ષિક ધોરણે જાેઈએ તો ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં ૪.૨૪% વધુ લોકોને નવી નોકરી મળી છે. એટલું જ નહીં આ દરમિયાન ૪.૯૦ લાખ લોકોને ફરી નોકરી મળી છે. એટલે કે જેમની અલગ-અલગ કારણોસર નોકરી જતી રહી હતી તેમને ફરી નોકરી મળી. વાર્ષિક ધોરણે ગયા વર્ષના ઓક્ટોબરની તુલનાએ આ આંકડો લગભગ ૧૩% વધુ છે.
જાે તેમાં ઇએસઆઈસીના કર્મચારીઓને ઉમેરીએ તો આંકડો હજુ વધી જશે. ૩૫૦૦થી વધુ કંપનીઓને એચઆર સોલ્યુસન આપનારી કંપની ટીમ લિઝના હેડ અમિત વડેરા કહે છે કે આગામી ૫-૬ મહિનામાં આ ટ્રેન્ડ રહેશે. એટલે કે નોકરી વધશે. લોજેસ્ટિક અને ઈ-કોમર્સ કંપનીઓ ભરતી કરી રહી છે. હવે બેન્કિંગ અને ફાઈનાન્સ સર્વિસ ક્ષેત્રમાં ભરતીની ગતિ વધી છે. કોરોના અંગે લોકોમાં જાગૃતિ વધી રહી છે અને વેક્સિન આવવાની આશા વધી રહી હોવાથી કંપનીઓ પોતાના જૂના કર્મચારીઓનો સંપર્ક કરી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિન્ક્ડઇનના તાજા સરવે મુજબ દેશના ૪૦% પ્રોફેસનને આશા છે કે ૨૦૨૧માં નવી નોકરી વધશે.
ગ્લોબલ પ્રોફેસનલ સર્વિસ ફર્મ એઓનના સેલેરી ટ્રેન્ડ સરવે મુજબ ૮૭% ભારતીય કંપનીઓ ૨૦૨૧માં પોતાના કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટ આપવાની તૈયારીમાં છે. નોકરી ડોટકોમે હાલમાં જ હાયરિંગ એક્ટિવિટી ઇન ઇન્ડિયા રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં જણાવાયું છે કે ૧૯ અગ્રણી ઉદ્યોગોમાંથી ૧૮ ઉદ્યોગોમાં એપ્રિલની તુલનાએ નવેમ્બરમાં વધુ ભરતી થઈ છે. પ્રાઈવેટ રિસર્ચ ફર્મ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી મુજબ કોરોનાને કારણે એપ્રિલમાં બેરોજગારીનો દર ૨૩.૫% થઈ ગયો હતો જે ઓક્ટોબરમાં ઘટીને ૬.૯૮% સુધી પહોંચી ગયો છે. આ પ્રી-કોવિડ લેવરની નજીક છે.
Recent Comments