fbpx
ગુજરાત

ગાંધીનગર ખાતે મનસુખ વસાવાએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી સરકારના ખર્ચે સારવાર લેવા માટે સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચ્યું..!!

મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મને સમજાવવામાં આવ્યું કે સાંસદ તરીકે ચાલુ રહેશે તો સરકારના ખર્ચે સારવાર ચાલતી રહેશે

ભરૂચ લોકસભાના સાસંદ મનસુખ વસવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ બુધવારે સવારે ગાંધીનગર આવીને રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સાથે બેઠક કરી હતી. આજે સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રી રૂપાણીને મળ્યા હતા અને તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી અને આખરે તેઓ માની ગયા હતા અને તેમને રાજીનામું પરત ખેચ્યું હતું. જેથી એવું કહી શકાય કે મનસુખનું મનદુઃખ દુર થતા ઘીના ઠામમાં ઘી ઢળ્યું હતું. અને તેમને રાજીનામું પાછુ ખેંચતા ભાજપને હાશકારો થયો છે.
ભરૂચ લોકસભાના સાસંદ મનસુખ વસવા આખરે ગાંધીનગર આવીને સીએમને મળ્યા બાદ તેઓ માની ગયા હતા. સીએમ સાથેની વસાવાની બેઠક પૂર્ણ થયા બાદ તેઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમને ગઈકાલે આપેલું રાજીનામું પરત ખેંચ્યું હતું. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર કે પક્ષ તરફથી કોઈ તકલીફ નથી. પરંતુ મારી નાદુરસ્ત તબિયતના કારણે મેં ગઈકાલે રાજીનામું આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મારી નાદુરસ્ત તબિયત રહે છે. આ કારણે હું સંસદમાં પણ હાજરી આપી શકતો નથી. આ માટે જ મેં ગઈકાલે રાજીનામું ધરી દીધું હતું. મેં રાજીનામા પત્રમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. મારે કોઈની સાથે કે પાર્ટી સામે કોઈ નારાજગી નથી. મારી શારીરિક તકલીફને કારણે મારા મિત્રો અને સ્નેહીજનોએ મને આરામ કરવાની સલાહ આપી હતી. મેં કોઈ રાજકીય સોદાબાજી કરી નથી. પાર્ટી પર દબાણ લાવવાનો પણ મેં કોઈ પ્રયાસ કર્યો નથી.
જાેકે, કેન્દ્રીય નેતૃત્વએ મને સાંસદ તરીકે ચાલુ રાખવાની સૂચના આપી છે. આથી હું રાજીનામું પરત ખેંચી રહ્યો છું. હાલ ડૉક્ટરે મને ચારથી પાંચ મહિના સુધી આરામ કરવાની સલાહ આપી છે. સીએમ સાથેની બેઠકમાં મને સમજાવવામાં આવ્યું હતું કે જાે હું સાંસદ તરીકે ચાલુ રહીશ તો સરકારના ખર્ચે સારવાર ચાલતી રહેશે. એક વખત સાંસદ તરીકેથી રાજીનામું આપ્યા બાદ આવી સારવાર શક્ય નહીં બને. પાર્ટીએ મને દિલ્હીમાં સારવાર કરાવવાની પણ સલાહ આપી છે. આથી હું સાંસદ તરીકે ચાલુ રહીશ.
મનસુખ વસાવાએ તેમને લવજેહાદ મુદ્દે મળેલી ધમકી વિશે પણ વિગતવાર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, હા મને ધમકી મળી છે. સાંસદ મનસુખ વસાવાને આજે મીડિયા સાથેની વાતચીતમાં તેમને લંડન, યૂપીના નંબર પરથી ધમકી ભર્યો ફોન આવ્યો હોવાની વાત જણાવીને ગુજરાતની રાજનીતિમાં ફરી ભૂકંપ લાવી દીધો છે. લંડન, યૂપીના નંબર પરથી કોઈએ ફોન કરીને લવ જેહાદ મુદ્દે ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના બાદ સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ પોલીસ વડાને જાણ કરી દીધી છે અને પોતાના ફોન નંબર પર આવેલા લંડન અને યૂપીના નંબરો પણ આપી દીધા છે. આ ઘટના બાદ તેઓ રાજ્યના ગૃહરાજ્યમંત્રીને રજૂઆત પણ કરવાના છે.

Follow Me:

Related Posts