રાજુલાના કોવાયા ખાતે કિસાન સુર્યોદય યોજનાનો શુભારંભ કરાવતા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
હવે સવારે ૫ થી રાત્રીના ૯ સુધી દિવસે ખેડુતોને વીજ પુરવઠો મળતો થશે : મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા૧૯૬૦ થી લઇ ૨૦૦૨ સુધીના ૪૨ વર્ષના ગાળામા માત્ર ૭.૩૩ લાખ વીજ કનેક્શનો અપાયા જ્યારે હાલની સરકારે માત્ર ૧૮ વર્ષમાં ૧૨ લાખથી વધુ વીજ કનેક્શન ખેડુતોને આપ્યારાજુલાના ભચાદર, ધરણો નેસ, કોવાયા, રામપરા અને ઉચૈયા એમ કુલ ૫ ગામોમાં આ યોજના કાર્યરત
અમરેલી જિલ્લાના ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તાજેતરમા શરૂ કરવામા આવેલ “કિસાન સુર્યોદય યોજના”નો રાજુલાના કોવાયા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રારંભ કર્યો હતો. રાજુલાના ભચાદર, ધરણો નેસ, કોવાયા, રામપરા અને ઉચૈયા એમ કુલ ૫ ગામોમાં આ યોજનાનો અમલ આજથી શરૂ કરવામા આવ્યો છે.
આ પ્રસંગે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં કિસાનોને વીજળીને લગતી તકલીફના નામે માત્ર વાયદાઓ જ કરવામાં આવતા. જ્યારે ખેડૂતની આ તકલીફને રાજ્ય સરકારે ધ્યાનમાં લીધી અને ૨૪ કલાક ખેડૂતોને વીજળી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી ભુતકાળમા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ખેડુતોને વીજળી મળી તે માટે ખુબ ગંભીર હતા અને તેથી જ તેઓના સમયગાળામાં રાજ્યમા ગામે ગામ ૨૪ કલાક વીજળી મળતી થાય તેવી જ્યોતિગ્રામ યોજના અમલમા મુકાઇ.
જે રીતે રાજ્યમા જ્યોતિગ્રામ યોજના પૂર્ણ થઈ તે જ રીતે ૯૬ ગામો સિવાયના જે ગામોને આ યોજનાનો હાલ લાભ નથી મળ્યો તેમને પણ તબક્કાવાર આવરી લેવાશે તેમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે ૧૯૬૦ થી લઇ ૨૦૦૨ સુધીના ૪૨ વર્ષના ગાળામા તે વખતની સરકારે માત્ર ૭.૩૩ લાખ વીજ કનેક્શનો આપ્યા હતા. જ્યારે હાલની રાજ્ય સરકાર માત્ર ૧૮ વર્ષમાં ૧૨ લાખથી વધુ વીજ કનેક્શન આપી ખેડુતોની પડખે ઉભી રહી છે. સરકારે વાયદાઓ નહી પણ પ્રજાને અનુભવ થાય એવા ફાયદાઓ લોકો સુધી પહોંચાડ્યા છે. આ સરકાર લોકોનો વેરો સ્વરૂપ બદલીને લોકો સુધી પહોંચાડે છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ વધુમા જણાવ્યુ હતુ કે કોરોના કાળમાં પણ સરકાર તેમજ તમામ વિભાગોએ શ્રેષ્ઠ કામગીરી કરી અને કોરોના વાયરસને ફેલાતું અટકાવવામાં સફળતા મેળવી. જેની નોંધ સમગ્ર દુનિયાએ લીધી. તેમ જણાવી ઉજ્જ્વલા યોજના, જ્યોતિગ્રામ યોજના, આયુષ્માન, માં અમૃતમ, સોલાર રૂફ ટોપ વગેરે લોકોપયોગી યોજનાઓની ઉપસ્થિત સૌ કોઇને માહિતી આપી હતી.
આ તકે પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઇ સોલંકીએ ઉદ્દબોધન કરતા જણાવ્યુ હતુ કે આ યોજના થકી રાજુલા તાલુકા તથા અમરેલી જિલ્લાના ખેડુત ભાઇઓને ખુબ ફાયદો થશે. ખેડુતોની વર્ષો જુની સમસ્યાનો આ યોજના થકી અંત આવશે. તેમ જણાવી ઉપસ્થિત સૌ કોઇનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં શ્રી સોલંકીએ જણાવ્યું હતું કે ખેડૂતોની લાંબા સમયની માંગણી અને મુશ્કેલીઓનો અંત આવ્યો છે. આ યોજના હેઠળ પ્રથમ તબક્કામા અમરેલી જિલ્લાના ૯૬ ગામો તથા રાજુલા તાલુકાના ૫ ગામોને હવે દિવસે પણ વીજળીનો લાભ મળશે. સરકારે રાજ્યના ૧૮ હજાર ગામડાઓમાં ઘરે ઘરે ૨૪ કલાક વીજળી મળે તેવી યોજનાઓ અમલમાં મૂકી. જેના થકી હાલ ખેતરમાં અને ઘરે ઘરે વીજળી મળતી થઈ છે અને છતા રાજ્ય પાસે વીજળી સરપ્લસ રહે છે. હવે દિવસે વીજળી મળતા ખેડૂતોને રાત ઉજાગરા બંધ થશે અને પશુઓના ભયથી ખેડૂતો મુક્ત થશે.
આ પ્રસંગે આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા બેંક ડાયરેક્ટર શ્રી દાદભાઈ વરૂ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરસુરભાઈ લાખનોત્રા, કોવાયા ગામના સરપંચશ્રી, ભાવનગર ઝોનના અધિક્ષક ઈજનેર શ્રી ખોડીયાતર, શ્રી નીનામા, મીઠાભાઈ લાખનોત્રા તથા કોવાયા પ્રાથમિક શાળાના સ્ટાફમિત્રો સહિત પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામા કોવિડ-૧૯ની ગાઇડલાઇન અનુસરીને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
શું છે કિસાન સુર્યોદય યોજના? (બોક્સ મેટર)
ખેડુતોને દિવસે વીજળી પુરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભીગમ અપનાવી “કિસાન સુર્યોદય યોજના” અમલમા મુકવામા આવી. જે યોજના હેઠળ કૃષિ ક્ષેત્રે દિવસ દરમ્યાન સવારના ૫:૦૦ થી રાત્રીના ૯:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો આપવામા આવશે. આ યોજના થકી ખેડુતોને દિવસે વીજ પુરવઠો મળવાથી રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય અને તાઢ, તાપ જેવી મુશ્કેલીઓથી કાયમ મુક્તિ મળશે
Recent Comments