આણંદ ગ્રામ્ય પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી ૭.૧૧ લાખનો વિદેશી દારૂના ઝડપી લીધો
આણંદ તાલુકાના સામરખા ગામ નજીક એક્સપ્રેસ હાઈવેના ગરનાળા પાસેથી મોડી રાત્રે આણંદ ગ્રામ્ય પોલીસે સેન્ટીંગના સામાનની આડમાં વિદેશી દારુ ભરી પસાર થતા ડમ્પરને પકડ્યું છે.ડમ્પરમાંથી વિદેશી દારુની ૧૫૧ પેટી કિં.રુા.૭ લાખ ૧૧ હજાર ૬૦૦ કબ્જે કરી વિદેશી દારુનો જથ્થો, સેન્ટીંગનો સામાન અને ડમ્પર સહિત ૧૪,૭૧,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આણંદ ગ્રામ્ય પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી છે.તેમજ દારુ મોકલનાર અને પોલીસને જાેઈને ભાગી છુટેલા ઈસમ સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ એન.એમ.રામી, હે.કો.કીરણકુમાર નાનુભાઈ, હેકો ઘનશ્યામભાઈ ઉત્તમસિંહ, એએસઆઈ યશપાલસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને માહિતી મળી હતી કે સેન્ટીંગના સામાનની આડમાં વિદેશી દારુનો જથ્થો ભરેલું ડમ્પર ભાલેજ થઈને સામરખા ચોકડી તરફ જનાર છે.
જે માહિતીના આધારે રાત્રીના પોણા બાર વાગ્યાના આસપાસ પોલીસે સામરખા નજીક વોચ ગોઠવી હતી. ડમ્પર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ડમ્પરના ચાલકે ડમ્પર પુરપાટ ઝડપે આણંદ તરફ હંકારી મુકાતા પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી એક્સપ્રેસ વેનાં ગરનાળા પાસે ઓવરટેક કરી ડમ્પરને રોકતા પોલીસને જાેઈને વિનોદ ઉર્ફે મામા બારૈયા ભાગી છુટ્યો હતો. જ્યારે પોલીસે ડમ્પરનો ચાલક સદ્દામ ઉસ્માનગની પેંગડાને ઝડપી લીધો હતો. પોલીસે ડમ્પરની તલાસી લેતાં ડમ્પરમાં સેન્ટીંગના સામાનની નીચેથી વિદેશી દારુની જુદા જુદા માર્કાની ૧૫૧ પેટીમાં ૪૫૮૪ નંગ બોટલો જેની કિં.રુા.૭ લાખ ૧૧ હજાર ૬૦૦નો મળી આવ્યો હતો.
જે અંગે પોલીસે ડમ્પરના ચાલક સદ્દામ ઉસ્માનગની પેંગડાની પુછપરછ કરતા તેઓને સેન્ટિંગના સામાન નીચે વિદેશી દારુ ભરેલ ડમ્પર રાજસ્થાનના લીમ્બડીયા ચોકડીથી જીતેન્દ્રસિંહ ચૌહાણે આપ્યું હતું અને ડમ્પર આણંદ લઈ જવા જણાવેલ અને ભાલેજ ચોકડીથી વિનોદ બારૈયા ઉર્ફે મામા મળશે અને માલ ક્યાં લઈ જવાનો છે તે જણાવશે. જેથી તે ડમ્પર લઈને ભાલેજ આવેલ અને ભાલેજ ચોકડીથી વિનોદ બારૈયા ઉર્ફે મામા ડમ્પરમાં સાથે બેસી ગયેલ અને ડમ્પર આણંદ તરફ લઈ જવાનું જણાવેલ પરંતુ રસ્તામાં પોલીસને જાેઈને વિનોદ ઉર્ફે મામા બારૈયા ડમ્પરમાંથી ઉતરીને ભાગી છુટ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારુની પેટી નંગ ૧૫૧ કિં.રુા. ૭,૧૧,૬૦૦ સેન્ટીંગનો સામાન ૩૫૦૦ સહિત ૧૪,૭૧,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Recent Comments