સુરત જેલમાંથી ગેંગરેપના આરોપીએ વેપારી પાસેથી ૩૦ લાખ માંગ્યા
ન્યુ રાંદેર રોડ અલનુર રેસીડન્સીમાં રહેતા સૈફુલ્લા મોતીવાલા અને તેના ભાઈ સુહેલ મોતીવાલા અને એતેશામ નવીવાલાએ ભાગીદારીમાં મેટએશીયા પ્રા.લિ.કંપની શરૂ કરી, જેમાં બન્ને ભાઈ ૩૦ ટકા અને એતેશામ ૭૦ ટકા ભાગીદાર હતો.જાન્યુઆરી-૨૦માં શેરની કિંમત ૪૦ થતા બન્ને ભાઈઓ ૬૭.૫૦ લાખ લેખે ૧.૩૫ કરોડ કંપનીમાં નાખી ૬૫ ટકા ભાગીદાર બની ગયા અને એતેશામ નવીવાલા ૩૫ ટકા શેર હોલ્ડર હતો. ૨૦૨૦માં માર્ચમાં એતેશામે ધંધો બંધ કરી કયાંક ચાલી જતા લેણદારોના ફોન વેપારી પર આવતા હતા.
૨૧ માર્ચે વેપારીને તેનો પડોશી અસ્ફાક નવીવાલાએ કોલ કરી અડાજણ પાટિયા એમ.કે.એન્ડ કંપનીની ઓફિસે બોલાવ્યો હતો. વેપારી અને તેનો ભાઈ સુહેલ ઓફિસે ગયા ત્યાં એતેશામ નેવીવાલા, તેના પિતા અને પડોશી અસ્ફાક નવીવાલા, ઈલ્યાસ કાપડીયા સાથે ૩ થી ૪ જણા હતા. બન્ને ભાઈઓને ધમકી આપી કે કંપનીના પૈસા, કંપનીની મિલકત, બીએમડબલ્યું કાર, અમને આપી દો અને મેટ એશિયા કંપનીના શેર મારા નામે ટ્રાન્સફર કરી દો નહિ તો જવા દેશું નહિ, મર્ડર કરી નાખીશું. ભાગીદારે માથાભારે અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા તેમજ જમીન દલાલ સાથે મળી બન્ને વેપારી બંધુઓને ધમકી આપ્યા બાદ વેપારીને લાજપોર જેલમાંથી ગેંગરેપના પાકા કામના આરોપી તારીક સૈયદે ધમકી આપી કે, તારી મેટર પટી ગઈ છે.
તારે પૈસા આપવા પડશે, એવું કહી વેપારી પાસેથી ૩૦ લાખની માંગતા વેપારીએ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપી હતી. જેના આધારે ભાગીદાર એતેસામ (રહે,અડાજણ), અસ્ફાક નવીવાલા ઈલ્યાસ કાપડીયા, જુનેદ સૈયદ, તારીક સૈયદ, અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા સામે ગુનો નોંધાતા ડીસીબીએ ઇલ્યાસ કાપડીયા તથા જુનેદ સૈયદની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
Recent Comments