છ મનપામાં સરેરાશ ૩૬ ટકાથી વધુ મતદાનઃ ૨૩મીએ પરિણામ છ મહાનગરપાલિકામાં નિરસ મતદાનઃ ભાજપ-કોંગ્રેસ ચિંતાતુર
અત્યારે લખાય છે ત્યાં સુધી સૌથી વધુ મતદાન જામનગરમાં ૪૧.૬૭ ટકા અને સૌથી ઓછું મતદાન અમદાવાદમાં ૩૧.૧૨ ટકા નોંધાયું, ૨૨૭૬ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ
છ મહાનગરપાલિકાની વાત કરીએ તો અમદાવાદમાં ૩૧.૧૨, વડોદરામાં ૩૬.૮૨,રાજકોટમાં ૩૯, સુરતમાં ૩૪.૯૬,જામનગરમાં ૪૧.૬૭ અને ભાવનગરમાં ૪૦.૯૮ ટકા મતદાન નોંધાયું
મતદાન મથક પર ગોટાળા થતા હોવાના આક્ષેપો કરાયા, મતદાન સ્લીપો ન મળતા મતદારો અટવાયા, અનેક જગ્યાએ ઇવીએમ ખોટકાયા, વરરાજા જ નહીં વૃદ્ધો-દિવ્યાંગોએ ઉત્સાહભેર મત આપ્યા, રાજકોટમાં આપના કાર્યકરો પર હુમલો થયો, કાર્યાલયમાં તોડફોડ સાથે અનેક જગ્યાએ બોગસ વોટિંગની ફરિયાદ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે પરિવાર સાથે મતદાન કર્યું
રાજ્યની છ મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર,સુરતમાં મતદાન યોજાયું હતું. જેમાં નિરસ મતદાન જાેવા મળ્યું હતું. અત્યારે લખાય છે ત્યાં સુધી સરારેશ છ મનપામાં સરેરાશ ૩૬ ટકા મતદાન નોંધાયું છે. છેલ્લા મળતા આંકડા મુજબ અમદાવાદમાં ૩૧.૧૨ ટકા, વડોદરામાં ૩૬.૮૨ ટકા, સુરતમાં ૩૪.૯૬ ટકા જામનગરમાં ૪૧.૬૭ ટકા, ભાવનગરમાં ૪૦.૯૮ ટકા અને રાજકોટમાં ૩૯ ટકા મતદાન નોંધાયું છે. તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા છે. આ ચૂંટણીનું પરિણામ ૨૩ ફેબ્રુઆરી એટલે કે મંગળવારે જાહેર થશે. ત્યારે ખબર પડશે કે ભાજપ સત્તા ટકાવી રાખે છે કે કોંગ્રેસ પરિવર્તન કરે છે. આ ચૂંટણી પરિણામોની સીધી જિલ્લા-તાલુકા પંચાયતમાં અસર થાય તો નવાઇ નહિ. ૨૮ ફેબ્રુઆરીએ રાજ્યની જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. મહાનગરપાલિકામાં નિરસ મતદાન થવાના કારણે ભાજપ-કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો ચિંતાતુર બન્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. અને ભાજપના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાજપ-કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ મતદાન કરી લોકોને ભારે મતદાન કરવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ વોર્ડ નં.૧૦માં અનિલ જ્ઞાન મંદિર સ્કૂલમાં મતદાન કર્યું હતું. અને તેમણે મતદાન બાદ સંબોધિત કરતા જણાવ્યું હતું કે મારી તબિયત માટે પ્રાર્થના કરનાર લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતનો રિકવરી રેટ પણ ૯૭ ટકાથી વધારે થઇ ચુક્યો છે. ગુજરાતમાં હવે તમામ દર્દીઓ ઝડપથી રિકવર થઇ રહ્યા છે. કોરોના સંદર્ભે ગુજરાત સરકારે ખુબ જ સારી વ્યવસ્થા કરી છે તેવું હું કહેતો હતો પરંતુ હવે તો મે અનુભવ પણ કર્યો છે. અનુભવના આધારે કહુ છું કે ખુબ જ સારી વ્યવસ્થા છે.
હાલમાં મતદાન મુદ્દે માત્ર જ વિકાસ મુદ્દો છે. કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઇના નેતૃત્વમાં વિકાસ આખા દેશનો કરી રહી છે. રાજ્ય સરકાર ગુજરાતનો વિકાસ કરી રહી છે. મારા શહેરનો વિકાસ મારા ગામનો વિકાસ મારા જિલ્લાનો વિકાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ શક્ય છે, ભાજપ અને વિકાસ એક બીજાના પર્યાય છે.
તો મતદાન સમયે અનેક જગ્યાએ બોગસ વોટિંગની ફરિયાદો પણ સામે આવી હતી. રાજકોટ અને વડોદરામાં આપના કાર્યકરો સામ સામે આવતા મામલો ગરમાયો હતો. જ્યારે અમદાવાદના મેઘાણીનગરના ભગવતી વિદ્યાલય પાસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી જતા બોલચાલી થઈ હતી. મેઘાણીનગર પોલીસ અને એસીપી સહિતનો કાફલો દોડી આવ્યો અને લોકોને દૂર કર્યા હતા. તેમજ ધારાસભ્ય બલરામ થાવાણી પણ દોડી ગયા હતા.
૨૦૧૫ની ચૂંટણીની તુલનાએ આ વખતે ૧૦ જેટલા પક્ષો મેદાનમાં છે, ખાસ કરીને આમ આદમી પાર્ટીએ ૪૧૯ જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હોવાથી જીતના માર્જીન ઘટવાની સાથે સાથે ભાજપના ઉમેદવારને હારનો પણ ભય સતાવી રહ્યો છે. ૬ મનપાના કુલ ૧૪૪ વોર્ડમાં ૫૭૬ બેઠકો માટે હવે ૨૨૭૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપના ૫૭૫, કોંગ્રેસના ૫૬૪, આમ આદમી પાર્ટીના ૪૧૯ અને ૨૨૬ અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.
Recent Comments