મતગણતરી પહેલા ઈવીએમ બદલાવાની આશંકાથી ગુજરાત કોલેજ પર હોબાળો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજ્યની ૬ મહાનગર પાલિકાની ચુંટણીના મતદાન બાદ આજે મતગણતરી થવા જઈ રહી છે ત્યારે મતગણતરીની પૂર્વ રાત્રીએ અમદાવાદની ગુજરાત કૉલેજ કેમ્પસ પર ભારે હોબાળો જાેવા મળ્યો હતો. ચૂંટણીનું પરિણામ આવવાની પૂર્વ રાતે સોમવારે મોડી રાતે ગુજરાત કોલેજના ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકેલા ઇવીએમમાં ચેડા કરવામાં આવી રહ્યા હોવાની અફવા ફેલાતા કેટલાક ઉમેદવાર અને તેમના ટેકેદારો ગુજરાત કોલેજના મુખ્ય ગેટ પર એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.અને મામલાને થાળે પાડ્યો હતો.
રાજકોટ અને સુરતમાં ઇવીએમ સાથે ચેડા થતા હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા બાદ અમદાવાદમાં મધરાતે આ ઘટના પ્રકાશમાં આવી હતી.ગુજરાત કોલેજના સ્ટ્રોંગ રૂમમાં મૂકેલા ઇવીએમ મશીનમાં ચૂંટણીના પરિણામના પેહલા ચેડા કરી પરિણામો બદલી નાખવા માટે સત્તાધારી પક્ષમાં કેટલાક કાર્યકરો ઇવીએમની પેટીઓ વાહનોમાં નાખીને લઈ ગયા હોવાની અફવા ફેલાતા ચૂંટણી લડી રહેલા ઉમેદવારો તેમના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં ગુજરાત કોલેજના ગેટ પર દોડી ગયા હતા અને ગેટ ખોલી અંદર જવા માટે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતાં.
આ ઉપરાંત એલડી એન્જિનિયરિંગ કોલેજની બહાર પણ વિવાદ સર્જાયો છે. જમાલપુર વોર્ડની આપ પાર્ટીના ફેસબુક પેજ પરથી લાઇવ કરવામાં આવ્યું હતું. જેમાં જાેઈ શકાય છે કે કોલેજ કેમ્પસમાં એક શંકાસ્પદ કાર મળી આવી છે. આ કાર પર પોલીસનો સિમ્બોલ છે અને કોંગ્રેસનો સિમ્બોલ પણ લાગેલો છે. જેમાંથી બેઠેલા તમામ શખ્સ નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે. તેટલું જ નહીં ગાડીમાંથી કેટલીક શંકાસ્પદ બોટલ પણ મળી આવી છે.
Recent Comments