રાજયની પ્રથમ મહિલા યુનિવર્સિટી સુરતમાં સ્થપાશે
વિધાનસભામાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિહ ચુડાસમાએ ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ સર્વાનુમતે પારિત કરવામાં આવ્યું છે. જેમાં, રાજયમાં નવી સાત ખાનગી યુનિવર્સિટીની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે, સુરતમાં રાજયની પહેલી મહિલા યુનિવર્સિટીની પણ સ્થાપના કરવાંમાં આવશે.
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ગુજરાતના વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ અનુરૂપ વિશ્વકક્ષાનું ગુણવત્તાયુકત અને સમયની માંગ આધારિત ઉચ્ચ શિક્ષણ પુરૂં પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યમાં સરકાર સંચાલિત યુનિવર્સિટીઓને પૂરક બનીને ખાનગી યુનિવર્સિટીઓ પણ ક્વોલિટી એજ્યુકેશન આપવામાં કસોટીની એરણે ખરી ઉતરી છે.
રાજ્યના યુવાનોને ગુજરાત બહાર કયાંય ઉચ્ચ શિક્ષણ મેળવવા મોંઘીદાટ ફી ભરીને જવું ન પડે અને ઘરઆંગણે જ વર્લ્ડ કલાસ એજ્યુકેશન આપીને ગુજરાતને એજ્યુકેશનલ હબ બનાવવાના નિર્ધારમાં પણ આવી યુનિવર્સિટીઓ સ્પર્ધાત્મક શિક્ષણ પુરૂં પાડી રહી છે.
ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા બિલથી રાજ્યમાં નવી ૭ ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપનાને મંજૂરી મળવાની છે. આ નીતિના આયોજનમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ૫૦ ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વધુમાં શિક્ષણ પ્રધાને કહ્યું કે, ગુજરાતમાં હાલ ધોરણ-૧૨ પછી કોલેજમાં પ્રવેશની જે ટકાવારી ૨૨.૫ ટકા જેટલી છે. તેને નવી શિક્ષણ નીતિ મુજબ ૫૦ ટકાએ પહોચાડવા શિક્ષણનો વ્યાપ વિસ્તારવો આવશ્યક છે.
Recent Comments