ગુજરાત

મહામારીમાં મોંઘવારી માર,સિંગતેલમાં રૂ.૩૨૦નો વધારો, ઉત્પાદનમાં બ્રેક

મહામારીના સમયમાં ફરી એક માઠા વાવડ સામે આવ્યા છે. કોરોના કાળમાં વ્યાપાર-ઉદ્યોગ બંધ રહેતા આવકનું સાધન અટક્યું છે. જેના કારણે શ્રમિક વર્ગમાં પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે. અઠવાડિયામાં કપાસિયા અને સિંગતેલમાં કુલ રૂ.૩૨૦નો ભાવ વધારો થયો છે. જેના કારણે મધ્યમ વર્ગને આર્થિક રીતે ફટકો પડ્યો છે. શુક્રવારે સીંગતેલ અને કપાસીયામાં અનુક્રમે રૂ.૪૦-૪૦નો સીધો ભાવ વધારો થયો હતો. એક તરફ લોકડાઉનના ડરથી પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન તરફ જવા નીકળી પડ્યા છે.

જેની અસર સ્થાનિક મિલમાં થઈ છે. કામગીરીને ફટકો પડ્યો છે. બીજી તરફ યાર્ડ બંધ રહેવાથી કાચા માલની પણ ઘટ વર્તાય રહી છે. શુક્રવારે સીંગતેલના ભાવમાં રૂ.૪૦નો વધારો થતા નવો ભાવ રૂ.૨૬૯૦ સામે આવ્યો છે. જ્યારે કપાસીયા તેલના ડબ્બાનો નવો ભાવ રૂ.૨૪૨૦ નોંધાયો છે. જૂના તેલના ડબ્બાનો ભાવ રૂ.૨૩૫૦-૨૩૮૦નો થયો છે. મુખ્ય તેલના ભાવની સાથોસાથ અન્ય તેલ સનફ્લાવરમાં રૂ.૩૦, કોર્ન ઓઈલમાં રૂ.૫૦ અને પામોલીન તેલમાં રૂ.૧૦નો ભાવ વધારો થયો છે. આ ભાવ વધારા બાદ પામોલીન તેલનો નવો ભાવ રૂ.૨૦૭૦, સનફ્લાવર તેલ રૂ.૨૬૧૦, કોર્ન ઓઈલ રૂ. ૨૦૮૦ અને કોપરેલ તેલ રૂ.૩૨૭૦ નું થયું છે. જ્યારે સીંગતેલમાં શુક્રવારે લુઝનો ભાવ રૂ.૧૬૦૦ લેખે સોદો થયો હતો. જેમાં રૂ.૨૦થી૩૦ ટેન્કરના કામના નોંધાયા છે. કપાસિયા વોશનો રૂ.૧૪૫૦ નો ભાવ સામે આવ્યો છે. બીજી તરફ સીંગખોળનો ભાવ રૂ.૪૦૫૦૦ થયો છે. તમામ પ્રકારના ખાદ્ય તેલને ભાવ વધારાની અસર થતા મધ્યમવર્ગની સ્થિતિ કફોડી થઈ છે. ગૃહિણીઓમાં પણ રોષ જાેવા મળ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ ચેરમેન તથા અન્ય વેપારીઓનો રીપોર્ટ પોઝિટિવ આવતા યાર્ડમાં વ્યાપાર-હરરાજી પર માઠી અસર જાેવા મળી છે. યાર્ડ બંધ હોવાને કારણે મિલ માલિકોને કાચા માલની અછત વર્તાય છે.
બીજી તરફ મિલમાં કામ કરતા મજૂરો વતન જવાના મુડમાં છે. એટલે વર્કલોડ પણ વધ્યો છે. સ્થાનિક મિલ એકમોમાં ઉત્પાદન ઓછું થઈ ગયું છે. આવી કપરી અસરને કારણે સિંગતેલના ભાવમાં મોટો વધારો થયો છે. જાેકે, મહામારીના સમયમાં આ ભાવ વધારો થતા લોકોને સીધો ફટકો પડ્યો છે. એક તરફ દવા-સારવારના ખર્ચા છે તો બીજી તરફ ખાદ્ય તેલના ભાવમાં વધારો થતા આર્થિક સ્થિતિ ડામાડોળ થાય એવા પૂરા એંધાણ છે.

Follow Me:

Related Posts