માત્ર ૭ દિવસમાં ૧૦૮ પર રેકોર્ડબ્રેક ૧.૮૩ લાખ લોકોએ મદદ માગી, ૯૯ ટકા કોલ્સ માત્ર કોવિડના
ગુજરાતમાં કોરોનાના સસત વધતા જતા કેસો જનતા માટે ભયજનક સાબિત થઈ રહ્યા છે. એક તરફ સંક્રમણનું પ્રમાણ અત્યંત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે, ત્યારે બીજી તરફ દર્દીઓને સારવાર આપવા માટે ગુજરાતમાં મેડિકલ સારવાર ખૂટી પડી છે. આ પ્રકારની કપરી સ્થિતિ વચ્ચે હાલમાં ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ખૂબ જ મહત્ત્વની જવાબદારી નિભાવી રહી છે. છેલ્લા ૭ દિવસમાં જ ૧૦૮ કોલ સેન્ટર પર રેકોર્ડબ્રેક ૧.૮૩ લાખ કોલ્સ આવ્યા છે, જેમાંથી ૯૯ ટકા કોલ્સ માત્ર કોવિડને લગતા આવ્યા છે.
ગુજરાતમાં હાલમાં અંદાજે ૬૬૦ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ માત્ર કોવિડ દર્દી માટે કાર્યરત છે, જે સતત ૨૪ કલાક અલગ-અલગ વિસ્તારોમાં દોડાદોડ કરી રહી છે. ૧૦૮ પર દરરોજ ૨૬ હજારથી વધુ કોલ્સ આવી રહ્યા છે, એટલે કે દર કલાકે ૧૦૦૦થી વધુ લોકો ૧૦૮ પર કોલ કરી મદદ માગી રહ્યા છે, જેમાં સૌથી વધુ કોલ્સ અમદાવાદમાંથી કરવામાં આવે છે. ૧૦૮ની ટીમ એકસાથે ૧૦૦થી ૧૩૦ જેટલા કોલ્સ અટેન કરે છે.
દિવસે દિવસે કોલ્સની સંખ્યામાં વધારો થતાં સ્ટાફની પણ અછત સર્જાઈ રહી છે, જેને કારણે નવા સ્ટાફની પણ ભરતી કરવામાં આવી છે, જેને કારણે હવે સ્ટાફ રાઉન્ડ ધ ક્લોકમાં કામગીરી કરી રહ્યા છે, જેથી અન્યને આરામ મળી શકે. હાલની સ્થિતિ એવી છે એક મિનિટ પણ કોલ્સ બંધ નથી થતા. બીજી તરફ સિવિલ સહિતની હોસ્પિટલોમાં જગ્યાના અભાવે ૧૦૮ને કલાકો સુધી લાઈનમાં ઊભી રહેવું પડે છે, જેને કારણે પહેલા કોલ કર્યા ને ૫ મિનિટમાં આવતી ૧૦૮ હવે ૨થી ૩ કલાકે દર્દીને લેવા માટે આવે છે.
શહેરમાં રોજ ૪૫૦થી ૫૦૦ કોરોના દર્દીને ૧૦૮ હોસ્પિટલ પહોંચાડે છે, સિવિલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગે છે, આથી દર્દી હોસ્પિટલમાં દાખલ ન થાય ત્યાં સુધી રાહ જાેવી પડતી હોવાથી ૧૦૮નો રિસ્પોન્સ ટાઇમ ૩થી ૪ મિનિટથી વધીને બે કલાકની આસપાસનો થયાનું ૧૦૮નાં સૂત્રો જણાવે છે. અગાઉ ૧૦૮ દ્વારા હેન્ડલ કરાતાં કુલ ઇમર્જન્સી કેસમાં ૨૦ ટકા કેસ કોવિડના હતા, હાલમાં શહેરમાં કોરોના કેસ વધતાં પ્રમાણ ૫૦ ટકા થયું છે. એમાંય ૭૦૦થી ૮૦૦ બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલોમાં ૧ હજાર દર્દી પહોંચાડાતા હોવાથી હોસ્પિટલ દ્વારા દર્દીને દાખલ કરવા માટે વોર્ડમાં વ્યવસ્થા ન કરાય ત્યાં સુધી અડધોથી પોણો કલાક રાહ જાેવી પડે છે, એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગતી હોવાથી બીજા દર્દીને લેવા જવાની સાઈકલ ખોરવાઈ ગઈ છે.
Recent Comments