fbpx
ભાવનગર

પ્રખ્યાત રામાયણી અને સંતશ્રી મોરારી બાપુનો ગુજરાતની પ્રજાને કોરોના રસીકરણ કરવાં માટેનો સંદેશ

ગુજરાત રાજ્યમાં અત્યારે ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોના રસીકરણની કામગીરી ચાલી રહી છે અને તા. ૧ લી મે થી ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ થવાં જઇ રહ્યું છે ત્યારે ગુજરાતના પ્રખ્યાત રામાયણી સંત મોરારી બાપુએ કોરોનામાં રસીકરણ કરાવવાં માટે અપીલ કરતો વિડીયો મેસેજ આપ્યો છે. જે અક્ષરસઃ નીચે મુજબ છે.

ગુજરાતના આપણાં સૌ ભાઇઓ-બહેનો… આપણે બધાં જ જાણીએ છીએ કે, કોરોનાનો આ બીજો હુમલો વધારે વિકરાળ અને ચિંતાજનક છે. સમજદાર લોકો- અભ્યાસુ લોકો… જેમણે અધ્યયન કરીને આ હુમલાને ખાળવાં માટે શું- શું કરી શકાય તેનો વિચાર કર્યો છે. તેવાં બધા જ નિષ્ણાંત લોકોનું જે માનવું છે. એ પ્રમાણે આપણે વર્તવું રહ્યું.

મેં એક વેક્સિન ૯ માર્ચના દિવસે લઈ લીધેલી અને બીજી વેક્સીન કાલે મારા ગામ તલગાજરડામાં અહીંના હેલ્થ સેન્ટરમાં લઇ લીધી છે. મારે આપણાં સમાજને એટલું કહેવાનું છે કે, આપણાં સ્વ નું અને આપણી સાથે જોડાયેલાં સર્વેનું આપણે શુભ ઈચ્છતા હોઇએ. સૌના આરોગ્ય માટે આપણાં મનમાં પીડા હોય, તો ચાર વસ્તુ બહુ જ સ્વયંશિસ્ત પ્રમાણે કરો.. એક તો માસ્ક, બીજું સેનિટાઇઝર, ત્રીજું સોશિયલ ડિસ્ટન્સ અને ચોથું જેનો વારો આવે…એ વારો આવતાં ક્રમશઃ વેક્સિન લઈ લે.

મારા અનુભવમાં વેક્સિનથી કોઈ નુકસાન તો નથી… પરંતુ હા.. શરીર દુઃખે, એકાદ દિવસ માથું દુઃખે.. પણ અભ્યાસુ અને એ પણ કોઈ કોઈને… બાકી કોઇને કશું થતું જોયું નથી. અને એ પણ એટલાં માટે થાય છે કે, આ વેક્સિનના લીધે આપણામાં કોરોનાની સંક્રમણતાને રોકવાની ગજબ શક્તિ આવે છે. આપણે તેની સામે ફાઇટ કરી શકીએ છીએ. તેટલે જ કોઈપણ અફવાઓમાં માન્યાં વિના…. એક સાધુ તરીકે આપને વિનયપૂર્વકની અપીલ કે, માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સ રાખીએ, વેક્સિન સમય પર લઈએ અને સતત સેનિટાઇઝરનો આગ્રહ રાખીએ.

હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કે, જલ્દી થી જલ્દી… “સર્વે ભવન્તુ સુખીઃ, સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગભવે” …સૌના મંગલ માટે… શુભ આરોગ્ય માટે… હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરી.
આપ સૌને એકવાર પુનઃ પ્રણામ… જય સીયારામ

Follow Me:

Related Posts