‘મારું ગામ -કોરોના મુક્ત ગામ’ અભિયાનનો રાજ્યવ્યાપી ઇ-પ્રારંભ કરાવતાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતના સ્થાપના દિવસે ‘મારું ગામ-કોરોના મુક્ત ગામ’ બને તે માટે રાજ્યવ્યાપી અભિયાનનો ઇ-પ્રારંભ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભાવનગરથી કરાવ્યો હતો.
જેમાં ભાવનગર ખાતેથી મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયાં હતાં.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ ગુજરાતીઓને ગુજરાતના સ્થાપના દિવસે તંદુરસ્ત આરોગ્યની શુભેચ્છાઓ આપતાં કહ્યું હતું કે, વર્તમાન કોરોના મહામારીમાં પોતાની જાતને કોરોનાથી બચાવવી એ સૌથી મોટી રાષ્ટ્ર સેવા છે.
લોકોને શરૂઆતમાં યોગ્ય સારવાર મળે તો ૯૦ ટકા લોકોને સાજા કરી શકાય છે. ગામના લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધુ હોવાથી તેવો જલદી સાજા થઈ જાય છે. પ્રાથમિક લક્ષણો ધરાવતા લોકોને યોગ, પ્રાણાયમ, આયુર્વેદિક ઉકાળા તેમજ ઘરગથ્થું ઉપચાર કરવાની વાત પણ રાજ્યપાલશ્રીએ કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકાર થ્રી-ટી એટલે કે, મહત્તમ ટેસ્ટિંગ, મહત્તમ ટ્રેસિંગ અને મહત્તમ ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે કોરોના કાળમાં આગળ વધી રહી છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,ગુજરાતમાં ૧ લાખ બેડ કાર્યરત છે, જ્યારે ૧૧૦૦ ટન ઓક્સિજનનો સપ્લાય પૂરો પાડવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ૧૮ થી વધુ વયના લોકો માટે આજથી કોરોના રસીકરણનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે.
ગુજરાતના ગામો કોરોના મુક્ત બને તે હેતુથી ગુજરાત સ્થાપના દિવસ એટલે કે ૧ મેથી ૧૫ મે સુધી અભિયાન હાથ ધરવામાં આવશે. આ ૧૫ દિવસમાં સૌએ સાથે મળીને ગામને કોરોનાથી મુક્ત બનાવવાનું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યના દરેક ગામને કોરોના મુક્ત ગામ બનાવવા માટે દરેક ગ્રામ્ય સ્તરે જિલ્લા વિકાસ અધિકારીના વડપણ હેઠળ તાલુકા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓની ૧૦ લોકોની કમિટી બનાવી, સમગ્ર ગ્રામ્ય સ્તરે શરદી, તાવના દર્દીઓની તપાસ અને વધુ સઘન કરવા સૂચન કર્યું હતું.
તેમજ સંક્રમિત દર્દીઓને અલગ રાખી, સંક્રમિત દર્દીઓને સારવાર માટે ગ્રામ્ય સ્તરે જ વ્યવસ્થાઓનું નિર્માણ કરવા માટે આહવાન કર્યું હતું.
આ સાથે જ દરેક ગ્રામજન પોતાના વિસ્તારની દેખરેખ રાખે અને વિસ્તારના દર્દીઓ માટે જમવા તેમજ રહેવાની વ્યવસ્થાઓમાં સહયોગ આપે તો નજીકના ભવિષ્યમાં “દરેક ગામ- કોરોના મુક્ત ગામ” બનાવી શકાશે તેવો વિશ્વાસ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ તકે ભાવનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલ મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ભાવનગર જિલ્લાના નાગરિકોને ગુજરાતના સ્થાપના દિવસની શુભકામના પાઠવી ભાવનગરના ગ્રામજનોને અનુરોધ કરતાં કહ્યું હતું કે, સરપંચ થી સાંસદ સુધી દરેક આ અભિયાનમાં જોડાય, તંત્ર સાથે સહયોગ સાધી અને જાગૃત બનીને દરેક ગ્રામજનો જો સહકાર આપશે તો ખૂબ જલ્દી ભાવનગર જિલ્લાનું ‘દરેક ગામ કોરોના મુક્ત ગામ’ બનશે.
પંચાયત રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે આ અભિયાનને સફળ બનાવવામાં સરપંચથી લઇને ગ્રામીણ પદાધિકારીઓ સૌના સક્રિય સહયોગની ખાતરી આપી સૌનું સ્વાગત કર્યુ હતું.
સચિવ શ્રી અશ્વીનીકુમારે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અને રાજ્ય સરકાર દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવેલી કામગીરીની વિગતવાર માહિતી આપતું પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું.
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, તા.૧ લી મે, ૨૦૨૧થી ‘મારુ ગામ-કોરોનામુક્ત ગામ’ અભિયાનના રાજ્યવ્યાપી શુભારંભમાં ગ્રામીણ કક્ષાની સાથો-સાથ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી પણ આગેવાનો- પદાધિકારીઓ તેમજ તાલુકા કક્ષાએ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન આ અભિયાનમાં જોડાયાં હતાં.
વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ, નિવાસી અધિક કલેકટરશ્રી બી.જે.પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments