કોરોના માટે સમર્પિત પાંચ ૧૦૮ વાહનોનું લોકાર્પણ કરતાં રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે
કોરોના સંક્રમણના કારણે રાજ્યમાં દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે ભાવનગર સ્થિત સર તખ્તસિંહજી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધતી જાય છે. સર તખ્તસિંહજી હોસ્પિટલમાં પડી રહેલા ભારણને ઘટાડવા માટે રૂવાપરી રોડ ખાતે લેપ્રસી હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર માટે તાત્કાલિક કોરોનાની સારવાર માટેની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે.
આજે બપોર બાદ શિક્ષણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ ભાવનગરના યુવરાજ જયવીરરાજસસાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ઉભી કરવામાં આવેલ રૂવાપરી રોડ ખાતે લેપ્રસી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઇ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ-સગવડોની જાત માહિતી મેળવી સ્થળ પર જ સમીક્ષા કરી હતી.
શિક્ષણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે એ આજે કોરોના માટે ખાસ સમર્પ્રિત પાંચ ૧૦૮ વાહનોનું લોકાર્પણ પણ કર્યું હતું.
તેમણે જણાવ્યું કે, લેપ્રસી હોસ્પિટલ કુદરતી વાતાવરણ વચ્ચે આવેલી છે, ત્યારે દર્દીઓને વધુ સારો ઓક્સિજન મળશે.કુદરતી ઓક્સિજન મળવાથી તેમના સાજા થવાનો દર પણ વધુ રહેશે.
અહીંયા ૧૩૦ થી ૧૩૫ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે. તેમાં ધીમે -ધીમે વધારો કરવામાં આવશે.
શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ ભાવનગરના યુવરાજ સાહેબે આજે લેપ્રસી હોસ્પિટલની મુલાકાત લઇ વહીવટી તંત્રનો અને કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો છે તે માટે અભિનંદન આપ્યાં હતાં.
તેમણે કહ્યું કે, પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિમાં પ્રજા અને સરકારના સંયુક્ત પ્રયાસોથી જ કોરોના મહામારી પર નિયંત્રણ મેળવી શકાશે. કોરોનાનું પ્રમાણ જે રીતે વધતું જાય છે તેની સાપેક્ષમાં તંત્ર દ્વારા તેમજ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક નવી હોસ્પિટલ, નવા બેડ, ઓક્સિજન, તબીબો વગેરેની તાત્કાલિક ધોરણે વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.
ભાવનગર શહેરમાં વિવિધ હોસ્પિટલને કોવિડ કેર સેન્ટર તરીકે ચલાવવાની મંજૂરી આપીને કોરોનાગ્રસ્ત દર્દીઓનો વધુ ને વધુ સમાવેશ કરી શકાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ ઉપરાંત ગઈકાલથી મુખ્યમંત્રીએ શરૂ કરાવેલ ‘મારુ ગામ -કોરોના મુક્ત ગામ’ અભિયાન હેઠળ ભાવનગર જિલ્લાના ૬૬૭ ગ્રામ પંચાયત વિસ્તારોમાં ૮૨૦૦ થી વધુ કોરોનાના બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેથી ભાવનગર જિલ્લા તથા શહેરના એક પણ દર્દીને કોરોનાની સારવાર માટે જિલ્લાની બહાર જવું પડશે નહીં.
મંત્રીશ્રીએ જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા સાથે રૂવાપરી રોડ સ્થિત લેપ્રસી હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લઇ ઉપસ્થિત ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને આપવામાં આવતી સારવાર સુશ્રુષા વિષયની વિગતો મેળવી હતી. તેમજ જરૂરી સૂચનો પણ કર્યા હતા.
મંત્રીશ્રીએ કોવિડ વેન્ટીેલેટર વોર્ડમાં સારવાર લઇ રહેલાં દર્દીઓની રૂબરૂ મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછયા હતાં. અહીં મળતી સુવિધા અને સારવાર અંગે પણ માહિતી મેળવી હતી.
રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું છે કે, સંક્રમણ અટકાવવા કોરોનાની ચેન તોડવી એ આ સમયની માંગ છે ત્યારે રાજ્ય સરકારે આ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી રહી છે.
ભાવનગર વાસીઓ માટે લેપ્રસી હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવેલી કોરોનાની સગવડ આશીર્વાદરૂપ સાબિત થશે એમ જણાવી તેમણે કહ્યું કે, આગામી સમયમાં જરૂરિયાત મુજબ વધુ બેડની વ્યવસ્થા પઉભી કરવામાં આવશે.
આ હોસ્પિટલમાં મેડિકલ, પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવારમાં તહેનાત રહેશે.અહીં સારવાર અર્થે આવતા દર્દીઓને જીવન જરૂરિયાતની આનુષાંગિક વ્યવસ્થાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મંત્રીશ્રીએ કહ્યું કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં ઉદ્યોગપતિ, સેવાભાવી સંસ્થાઓ , સમાજના સુખી સંપન્ન લોકો સરકાર સાથે જોડાઇને કોરોના સામેની લડતમાં જનકલ્યાણના કાર્યો કરી રહ્યા છે તે અનુકરણીય છે. ઘણી સેવાભાવી સંસ્થાઓએ કોરોના મહામારીમાં દર્દીઓના સેવાયજ્ઞમાં જોડાઇને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે જે સમાજ માટે ગૌરવવંતી બાબત છે.
હોસ્પિટલમાં રાત-દિવસ કોરોનાની કામગીરી કરી રહેલાં તમામ હેલ્થકેર વર્કરોના સેવાભાવને બિરદાવીને તેમની દર્દીનારાયણની સેવા-શુશ્રુષાને તેમણે આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રીશ્રીએ લેપ્રસી હોસ્પિટલની મુલાકાત દરમ્યાન વહીવટી તંત્ર સાથે સમગ્રતયા પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને હોસ્પિટલ તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજીને દર્દીઓને સત્વરે શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે દિશાનિર્દેશ કર્યું હતું.
આ વેળાએ તેઓએ કહ્યું કે, પ્રજા અને સમાજના શ્રેષ્ઠીઓની શક્તિ અમાપ છે. સરકાર અને પ્રજાના સહિયારા પ્રયાસોથી જ કોરોનાની આવી પડેલી મહામારી પર કાબુ મેળવી શકાશે. કોરોનામાં જીવના જોખમે કામગીરી કરી રહેલા હેલ્થકેર વર્કરોના જુસ્સાને તેમણે બિરદાવ્યો હતો.
ભાવનગરના યુવરાજે જયવીરરાજસિંહે કહ્યું કે, ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીએ લોકોની આરોગ્ય કાળજી માટે એ જમાનામાં સર ટી. અને લેપ્રસી હોસ્પિટલ પ્રજા માટે સમર્પિત કરી હતી.
આજે કોરોનાની મહામારી વચ્ચે ભાવનગર જિલ્લાનું વહીવટીતંત્ર રસ લઈને લોકોની સુખાકારી માટે જે વ્યવસ્થા ઊભી કરી રહ્યું છે તે ધન્યવાદને પાત્ર છે.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, કોરોનાની મહામારી જ્યારે વ્યાપક બની છે ત્યારે ભાવનગર વાસીઓ એક થઈને કોરોનાને હરાવવાની જરૂર છે.
આ મુશ્કેલ સમયમાં કોરોના વોરિયર્સ જે રીતે કાર્ય કરી રહ્યાં છે તેમના કાર્યને સલામ કરું છું. તમે લોકો છો તો.. અમે છીએ.. તેવો ભાવ તેમણે આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો.
આ વેળાએ જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાહુલ ગમારા, સીટી મામલતદારશ્રી ધવલ રવૈયા,સર ટી. હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટશ્રી જયેશ બ્રહ્મભટ્ટ, મેડિકલ કોલેજ ડિનશ્રી હેમંત મહેતા, સર ટી. હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટરશ્રી હાર્દિક ગાઠાણી સહિતના નિષ્ણાંત તબીબો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments