કોરોનાની વર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં લઇ જિલ્લાના સિહોર, વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં નિરીક્ષણ કરી જાત માહિતી મેળવતાં શિક્ષણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે
કોરોના સંક્રમણની બીજી લહેરમાં સંક્રમણને કાબુમાં લેવા ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે રાત-દિવસ અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમજ કોરોનાની સારવાર તેમજ સુશ્રુષા માટે સુદ્રઢ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેથી જિલ્લાના નાગરિકોને સારામાં સારી સારવાર જિલ્લામાં જ ઉપલબ્ધ બને.
ભાવનગર જિલ્લામાં આરોગ્ય માટેની કરાયેલી વ્યવસ્થાની સરાહના કરતાં તેમણે કહ્યું કે, ભાવનગર જિલ્લાની કોરોનાની સુદ્રઢ વ્યવસ્થાને લીધે અન્ય જિલ્લાના નાગરિકો પણ ભાવનગર જિલ્લામાં સારવાર લેવાં પ્રેરાય છે તેવાં પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આજે આ સંદર્ભમાં શિક્ષણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ આજે ભાવનગર જિલ્લાના સિહોર, વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લઇ ઉપલબ્ધ સેવા- સુશ્રૂષા વિશેની જાણકારી મેળવી હતી.
મંત્રીશ્રીએ આ કેન્દ્રો ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે કરવામાં આવેલ રહેવા-જમવાં, સારવાર, દવાઓ સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી અધિકારીઓ અને સરપંચશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. સારવાર લઇ રહેલાં દર્દીઓ સાથે સંવાદ કરી તેમણે ઉપલબ્ધ સારવાર વિશેની જાણકારી મેળવી હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા તંત્ર એક્શન મોડમાં કામ કરી રહ્યું છે ત્યારે કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લઇ મંત્રીશ્રીએ ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓ પાસેથી ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ વિશેની જાણકારી મેળવી હતી.
તેમણે ગામના સરપંચશ્રી અને ગામના આગેવાનોને જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સારવાર માટે સરકારે કોઇ કચાસ રાખવાં દીધી નથી. કોરોના વોરિયર્સ એવાં ડોક્ટર્સ, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફ રાતદિવસ જોયાં વગર કાર્ય કરી કોરોનાની મહામારી પર કાબૂ મેળવવાં લાગેલાં છે.
મંત્રીશ્રીએ દાતાઓ તેમજ સમાજ સેવકો દ્વારા ઉભા કરવામાં આવેલ કોરોના કેર સેન્ટરની મુલાકાત લઇ તેમના દ્વારા કરવામાં આવી રહેલી સેવા- સુશ્રૂષાને બિરદાવી હતી. સરકાર સાથે સમાજની સેવાભાવી સંસ્થાઓ પણ સરકાર સાથે ખભેખભે મીલાવી કાર્ય કરી રહી છે તે આનંદની વાત છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
કોરોનાની બીજી લહેરમાં શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણે ફેલાય નહીં તે માટે મોટા ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે, ત્યારે સામાન્ય લક્ષણો જણાતાં હોય તેવાં તમામ લોકોને ઘરમાં નહીં, પરંતુ આ કોવિડ કેર સેન્ટરોમાં સારવાર મેળવવાં માટેની તેમણે ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી.
શ્રી વિભાવરીબેને કહ્યું કે, એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાતાં આ ચેપી ચેઇન તોડવાં માટે આ કોવિડ કેર સેન્ટરો ખૂબ મહત્વના સાબિત થયા છે. આ કોવિડ કેર સેન્ટરમાં આરોગ્યની ઉત્તમ સગવડ પણ મળી રહે છે.
તેમણે કહ્યું કે, કોવિડ કેર સેન્ટરમાં સારવાર મેળવાનાર વ્યક્તિને વધુ સારવારની જરૂરીયાત ઉભી થાય તેવા સંજોગોમાં કોવિડ હેલ્થ સેન્ટર કે કોવિડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સહિતની સવગડ ઉભી કરવામાં આવી છે.
સામાન્ય લક્ષણો દેખાતા હોય તેવા વ્યક્તિઓને ગામના યુવાનોઓ આ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાવે તો ગામની ખૂબ મોટી સેવા કરી ગણાશે. કોરોના સંક્રમણ અટકાવવાં આપણે આપણાં ગામ અને જિલ્લાને આ મહામારીમાંથી બચાવવાં રસીકરણ જ એક માત્ર ઉપાય છે ત્યારે ગામના લોકો રસી મૂકાવી પોતાની જાત સાથે સમાજને સુરક્ષિત કરે તે જરૂરી છે.
તેમની આ મુલાકાતમાં જિલ્લા ભા.જ.પ. ના પ્રમુખશ્રી મુકેશભાઇ લંગાળિયા જોડાયાં હતાં. જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણ બરનવાલે સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઉપલબ્ધ સુવિધાઓ વિશે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતાં.
મંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ ભાવનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એન.સી. વેકરિયા, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા સિહોર, વલ્લભીપુર અને ઉમરાળાના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments