‘તૌકતે’ સાયકલોનની વાવાઝોડાના ખતરાને લીધે અમરેલીના 20 ગામના લોકોનું સ્થળાંતર કરાશે
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા હોય વહીવટીતંત્ર એલર્ટ પર છે. આજે એનડીઆરએફની એક ટીમ જાફરાબાદ આવી પહોંચી હતી. અહીં બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવાયું હતું. અને તંત્ર દ્વારા જરૂર પડયે 20 ગામોના લોકોનું સ્થળાંતર કરવા માટે તૈયારી શરૂ કરવામાં આવી હતી.જાફરાબાદ અને રાજુલા પંથકના માછીમારોને તંત્ર દ્વારા અગાઉ જ કાંઠે આવી જવા સૂચના આપી દેવાઇ છે. જેના પગલે માછીમારી માટે દરિયામાં ગયેલી બોટો પરત આવવાનો સિલસિલો શરૂ થયો છે. સાંજ સુધીમાં 250થી વધુ બોટો પરત ફરી ગઈ હતી. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે રાત્રે તમામ બોટો પરત ફરી જશે.
હાલમાં દરિયામાં મોજા ઉછળવાનું પણ શરૂ થયું છે. અને દરિયામાં કરંટ જોવા મળ્યો છે.બીજી તરફ જરૂર પડ્યે સ્થળાંતરની પણ તૈયારી શરૂ કરાઇ છે. આ માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે. રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારના 20 ગામોના લોકોનું સ્થળાંતર કરવા તંત્ર તૈયારી કરી રહ્યું છે. તંત્ર દ્વારા જે ગામોમાં સ્થળાંતર ની તૈયારી કરાય છે તેમાં શિયાળબેટ, વારાહસ્વરૂપ, ભાંકોદર, ધારાબંદર, ચાંચબંદર મીતીયાળા, વાંઢ, વઢેરા વિગેરે ગામનો સમાવેશ થાય છે.
દરમિયાન 65 જવાનોની એન.ડી.આર.એફની એક ટીમ આજે જાફરાબાદ આવી પહોંચી હતી. જ્યારે રાત સુધીમાં વધુ એક ટીમ પણ અહીં આવી પહોંચશે. અમરેલી જિલ્લામાં ગઈકાલે કમોસમી વરસાદ થયા બાદ આજે વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. વાવાઝોડું 16થી 18ની વચ્ચે સૌરાષ્ટ્રના કાંઠે આવવાની શક્યતા હોય અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે
Recent Comments