ગુજરાત

કોરોનામાં બેડ શોધવાની દોડધામમાં યુવકે ત્રણ લાખનું બાઇક ગુમાવ્યું

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સામે આવેલી સાલ હોસ્પિટલના ગેટ પાસેથી રૂ. ત્રણ લાખના હાર્લી ડેવિડસન બાઈકની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વસ્ત્રાપુરના સનસેટ ડુપ્લેક્સમાં રહેતા રાજુસિંગે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે.
વસ્ત્રાપુરમાં રહેતા રાજુભાઈ રાજુ સ્વીટ હોમ નામથી પીજી ચલાવે છે. રાજુભાઈએ તેના મિત્ર કૃણાલ શાહના પિતાને પેરાલિસિસની અસર થતાં ફિઝ્યોથેરાપીની સારવાર ચાલતી હોવાથી ત્રણ લાખ રૂપિયાનું હાર્લી ડેવિડસન બાઈક છેલ્લા બે મહિનાથી તેને આપ્યું હતું.
તા. ૨ ના રોજ કૃણાલના પિતાને કોરોના પોઝિટિવ આવતા કૃણાલ આ બાઈક લઈને સાલ હોસ્પિટલમાં બેડ ખાલી છે કે કેમ તેની તપાસ કરવા ગયો હતો. ત્યારે આ બાઇક સાલ હોસ્પિટલની આગળ રોડની સાઈડમાં પાર્ક કરી મૂકયું હતું અને હોસ્પિટલમાં તપાસ કરી પરત આ જગ્યાએ બાઈક લેવા જતાં બાઇક ચાલુ થયું ન હતું.
પરંતુ કોઈ ગેરેજની દુકાન ખુલ્લી ન હોવાથી બાઇકને લોક મારી ત્યાં મૂકી અન્ય હોસ્પિટલમાં બેડની તપાસ કરવા માટે ગયો હતો. બાદમાં ૫મીના રોજ કૃણાલના પિતાને ઓક્સિજન લેવલ ઘટી જતા તેઓને પહેલા ધનવંતરી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને એ જ દિવસે ઝાયડસ હોસ્પિટલમાં રિફર કર્યા હતા.
જ્યાં તેઓની સારવાર ચાલુ હતી. જેથી કૃણાલ આ બાઈક લેવા માટે જઈ શક્યો ન હતો. બાદમાં ૧૦મી તારીખ ના રોજ રાજુભાઈ અને તેમનો મિત્ર કૃણાલ આ બાઈક લેવા ગયા હતા પરંતુ આ બાઈક મળી આવ્યું ન હતું.
બીજી તરફ તેમના પિતાની સારવાર ચાલુ હોવાથી દવાખાનાની દોડધામ હતી ત્યાં ૧૨મીના રોજ કૃણાલના દાદાનું રાજસ્થાન ખાતે અવસાન થતાં બંને રાજસ્થાન ગયા હતા. જેથી તેઓ આ અંગે ફરિયાદ કરવા આવી શક્યા ન હતા. બાદમાં રાજસ્થાનથી આવી તેઓએ આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Related Posts