fbpx
અમરેલી

ડિહાઇડ્રેશન પ્લાન્ટ શરૂ થતાં ડુંગળીનો બગાડ અટકવાથી ખેડૂતોને મોટી રાહત થઇ છે – ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ

ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે તાઉ’ તે વાવાઝોડાને પગલે ભાવનગર જિલ્લામાં વીજ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે બે દિવસીય ભાવનગરની મુલાકાતે પધાર્યા હતાં.
ઊર્જા મંત્રીશ્રીએ તેમની બે દિવસીય મુલાકાતમાં ભાવનગર શહેર અને જિલ્લામાં વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવાં માટે ઊર્જા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને તેમને જરૂરી માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી.


મંત્રીશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વીજ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ તુરંત જ કામગીરી હાથ ધરી જિલ્લાના ૫૬૬ ગામોમાં વીજ પુરવઠો યથાવત કરી દીધો છે. હવે જિલ્લાના માત્ર ૧૦૧ ગામમાં જ વીજ પુરવઠો પૂર્વવત કરવાનું કાર્ય બાકી છે, જે પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.


મહુવામાં ૬૫, જેસરમાં ૨૬, વલભીપુરમાં ૪, બગદાણામાં ૩, પાલિતાણામાં ૨ અને ગારીયાધારમાં ૧ ગામમાં વીજ પુરવઠો શરુ કરવાનું કામ બાકી છે. જે પણ ઝડપથી શરું કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.


મંત્રીશ્રી વિભાવરીબેન દવે, ગારિયાધારના ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી, મહુવાના ધારાસભ્યશ્રી આર.સી. મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા.જ.પ. અધ્યક્ષશ્રી મુકેશભાઈ લંગાળીયાની લાગણી અને માંગણી હતી કે, જિલ્લામાં મોટાપાયે ડુંગળીનું વાવેતર થાય છે ત્યારે વાવાઝોડા અને વરસાદને કારણે ડુંગળીનો બગાડ થયો છે. તદુપરાંત ડુંગળીના ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં વીજ પુરવઠો ખોરવાઇ જવાથી ડુંગળીની ખેતી કરતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે.


આ લાગણીનો પડઘો પાડતાં ઊર્જા મંત્રીશ્રીએ જાતે મહુવા ખાતે ગઈકાલે ડિહાઇડ્રેશન પ્લાન્ટની મુલાકાત લઇ સ્થિતિનો ક્યાસ કાઢીને તાત્કાલિક વીજ પુરવઠો ચાલું કરવાં માટે વીજ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. જેના પગલે તાત્કાલિક કાર્યવાહી કરતાં ૩૦ ડિહાઇડ્રેશન યુનિટમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે.


આ ઉપરાંત ૧૦૦ યુનિટોમાં આવતીકાલ સુધીમાં વીજ પુરવઠો શરૂ થઈ જશે અને બાકીના યુનિટોમાં ૨૬ તારીખ સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થઇ જશે. ડિહાઇડ્રેશન પ્લાન્ટના ૧૦ ફિડરોમાં આ અંગેનું કાર્ય પ્રગતિમાં છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં વીજ પુરવઠો યથાવત કરવાં માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ૪૦૦ વીજ કર્મચારીઓને રો-રો ફેરી મારફતે તાત્કાલિક બોલાવ્યાં છે તેઓ પણ જિલ્લામાં વીજ પુરવઠો બહાલ કરવાં માટે લાગેલાં છે. વીજ કંપનીના કર્મચારીઓની ફરજ નિષ્ઠાને જિલ્લાવાસીઓ પણ બિરદાવી રહ્યાં છે.


અગાઉ જિલ્લામાં દૂધાળા સિવાયના તમામ વોટર વર્ક્સ ચાલું કરી દેવામાં આવ્યાં હતાં. આજે બાકી એવાં દૂધાળા ખાતે પણ યુધ્ધના ધોરણે વીજ પુરવઠો શરૂ થઇ ગયો છે.


આમ, પાણીના પુરવઠાની વ્યવસ્થા યથાવત જળવાઈ રહે તે માટેની સૌ પ્રથમ વોટર વર્ક્સ ખાતે વીજ પુરવઠાનું પુનઃ સ્થાપન કરવામાં આવ્યું હતું તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.


આમ, મંત્રીશ્રીની કૂનેહ અને ભાવનગરની સ્થાનિક નેતાગીરીની સક્રિયતાને કારણે ભાવનગર અને જિલ્લામાં ઝડપથી વીજ પુરવઠો યથાવત થઇ રહ્યો છે અને પરિસ્થિતિ ઝડપથી થાળે પડી રહી છે

Follow Me:

Related Posts