અમદાવાદઃ યુવકને તેના જ ફોલોવરે બનાવ્યો ‘મામુ’, લાખોની છેતરપિંડી
લાઇકી એપ્લીકેશન પર વિડીયો બનાવીને લાખો લોકોનું દીલ જીતી લેનાર એક યુવકને પાંચ લાખ રૂપિયાનું નુકશાન થયુ છે. વિડીયો બનાવ્યા બાદ યુવકના લાખો ફોલોવર્સ હતા. જેમાં એક મધ્યપ્રદેશના ફોલોવરે તેની સાથે મિત્રતા બનાવીને દસ લાખ રૂપિયા માંગ્યા હતા. મઘ્યપ્રદેશના ફોલોવર્સને મળ્યા વગય યુવકે પાંચ લાખ રૂપિયાની મદદ કરી હતી. જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા અને કાલુપુર રેલવે સ્ટેશન પાસે ચાની કીટલી ધરાવતા મોહમદફારૂક મોહમદ હુસેન શેખે રખિયાલ પોલીસ સ્ટેશનમાં મધ્યપ્રદેશના ભોપાલમાં રહેતા દીલશાનખાન સમશુલખાન આલમ વિરુદ્ધ ચિંટીગની ફરિયાદ કરી છે.
કોરોના મહામારીના કારણે ફારૂકની ચાની કીટલી બંધ છે અને તે હાલ બેકાર છે. ફારૂક લાઇકી નામની એપ્લીકેશનનો મોબાઇલ ફોનમા ઉપયોગ કરતો હતો જેમાં તે તેના અલગ અલગ વીડિયો બનાવીને અપલોડ કરતો હતો. ફારૂકના કહ્યા પ્રમાણે લાઇકી એપ્લીકેશનમાં તેના લાખો ફોલોવર્સ છે જે પૈકી એક ફોલોવર દીલશાન આલમ પણ છે. લાઇકી એપ્લીકેશનના માધ્યમથી દિલશાન અને ફારૂક વચ્ચે મિત્રતા થઇ હતી અને બન્ને જણાએ એક બીજાને નંબરની આપલે કરી હતી. બન્ને ફોન પર વાતચીત કરતા હતા જેમાં ગત વર્ષે દીલશાને ફારૂકને ફોન પર જણાવ્યુ હતું કે, મારે ફર્નીચર અને પીઓપીનો ધંધો છે જેથી દસ લાખ રૂપિયાની જરૂર પડી છે.
દીલશાને દસ દિવસમાં રૂપિયા પરત આપી દેશે તેવુ કહીને ફારૂક પાસે દસ લાખ માંગ્યા હતા. ફારૂક પાસે દસ લાખ રૂપિયા નહી પરંતુ પાંચ લાખ રૂપિયા હતા. જે તેને દિલશાનને આરટીજીએસ મારફતે મોકલી આપ્યા હતા. દસ દિવસ બાદ દિલશાને રૂપિયા પરત ન આપતા ફારૂકે તેને ફોન કર્યો હતો. જાેકે તેને રૂપિયા આપવા માટે ગલ્લાતલ્લા કર્યા હતા અને ત્યારબાદ તેને ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા.
ફારૂકે આ મામલે દીલશાન વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
Recent Comments