ગુજરાત

અમદાવાદની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં શરૂ થયો પોસ્ટ કોવિડ કેર વોર્ડ. ૨૦૦ દર્દીઓને પોસ્ટ કોવિડ વોર્ડમાં સારવાર આપવાની ક્ષમતા ધરાવતો વોર્ડ કારગર સાબિત થશે

અમદાવાદ શહેરમાં ડી.આર.ડી.ઓ (ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન) અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે ધન્વતરી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. રાજ્યભરમાં કોવિડ હોસ્પિટલની સાથે પોસ્ટ કોવિડ કેર વોર્ડ શરૂ કરાયો હોય તેવી આ પહેલી ઘટના છે.

ધન્વતરી કોવિડ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પોસ્ટ કોવિડ દર્દીઓની સારસંભાળ રાખવા પોસ્ટ કોવિડ કેર વોર્ડનો શરૂ કરાયો છે. ૨૦૦ બેડની ક્ષમતા ધરાવતા આ વોર્ડમાં દર્દીની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સ્થિતિ પર વધુ ધ્યાન રાખવામાં આવશે તેમ ધન્વતરી કોવિડ હોસ્પિટલમા મેડિકલ સુપ્રીન્ટેન્ડેટન્ટ ડૉ. જયદીપ ગઢવીએ જણાવ્યું. જેમાં કોરોનાથી સાજા થઇ ગયેલા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવી, શારિરીક નબળાઇ અનુભવવી, મનોસ્થિતિ સારી ન હોવી આ તમામ પ્રકારની સારવારનો સમાવેશ આ વોર્ડમાં કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

પોસ્ટ કોવિડ કેરની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે આંગળીના ટેરવે રજિસ્ટ્રેશન ઉપલબ્ધ થાય તે માટે “ક્યુ.આર. કોડ” સ્કેન કરીને અથવા વેબસાઇટ પર મોબાઇલથી જ રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. જે દર્દીઓને ફક્ત ઓપીડીની સારવારની જરૂર હોય તેવા દર્દીઓ ફોલોઅપ માટે પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે. જ્યારે પોસ્ટ કોવિડ દર્દીઓને ઘરે ઓક્સિજન કોન્સનટ્રેટરની વ્યવસ્થા ન હોય અથવા ૫ થી ૧૦ લીટર ઓક્સિજન ક્ષમતા પર સારવારની જરૂર હોય તેવા પ્રકારના દર્દીઓ આ ક્યુઆર કોડ પર રજિસ્ટ્રેશન કરાવીને દાખલ થઇ શકશે.

પોસ્ટ કોવિડ વોર્ડમાં આવતા દર્દીઓને ડાયટ મેનેજમેન્ટ, ફિઝીયોથેરાપી કસરતો, રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર આપીને સંપૂર્ણપણે રીકવરી આવે અને જીવનશૈલી પૂર્વવત બને તે માટેની સારવાર પધ્ધતિ હાથ ધરવામાં આવશે.

Related Posts