કામરેજની હોટલના માલિક પર હુમલો કરી ૧૮ હજાર રોકડની લૂંટ ચલાવાઈ
સુરત કામરેજની વિજય હોટલના માલિક પર હુમલો કરી રોકડ રૂપિયા ૧૮ હજારથી વધુની લૂંટ ચલાવાઈ હોવાની ઘટના સામે આવી છે. સાકો ભરવાડ નામના વ્યક્તિએ પોતાના ૪-૫ સાગરીતો દ્વારા રૂપિયાની માગણી કરી હુમલો કર્યો હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયુ છે. વિજય હોટલના માલિક ચતુભાઈએ આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સાથે જ દર મહિને હપ્તા પેટે રૂપિયાની માગણી કરાઈ રહી હોવાનો ચતુરભાઈએ આક્ષેપ પણ કર્યો છે.
ચતુરભાઈ ચોવટીયાએ જણાવ્યું હતું કે, અમો વિજય હોટલના માલિક છીએ અને વર્ષોથી હોટેલ-રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. ૨૭મીની રાત્રે લગભગ પોણા અગિયાર વાગ્યાના અરસામાં કેટલાક અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટમાં ધમાલ મચાવી રૂપિયાની માગણી કરી હતી. જે બાબતે માથાકૂટ થતા માથાભારે ઈસમોએ હુમલો કરી હોટેલના ગલ્લામાંથી ૧૮૭૫૦ની લૂંટ ચલાવી ભાગી ગયા હતાં. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
ચતુરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સાકો ભરવાડ નામનો માથાભારે ઈસમ દર મહિને ૨૫૦૦૦ની માગ કરે છે. રૂપિયા ન આપનારને જાહેરમાં મારી પોતાની ધાક ઉભી કરી રહ્યો છે. જેને લઈ લગભગ આજુબાજુના તમામ વેપારીઓ ત્રાસી ગયા છે.આ બાબતે તેમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં સાકો ભરવાડ અને અન્ય ૪-૫ ઈસમો વિરોધ અરજી આપી હોવાનું આક્ષેપ સાથે જણાવ્યું છે.
Recent Comments