મોદી સરકારના ર્નિણયને ઘોળીને પી ગયા મમતા બેનર્જી, મુખ્ય સચિવને નહીં મોકલે દિલ્હી
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયને કાર્યમુક્ત કરવાથી ઇનકાર કરી દીધો છે. મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે પશ્ચિમ બંગાળ સરકાર આવા મુશ્કેલ સમયમાં પોતાના મુખ્ય સચિવને કાર્યમુક્ત ના કરી શકે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ ૨૮ મેના રાજ્ય સરકારને પત્ર લખીને અલપન બંદોપાધ્યાયને કાર્યમુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો.
અલપનને ૩૧ મેની સવારે ૧૦ વાગ્યા પહેલા રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું હતુ. મમતા બેનર્જીએ પત્રમાં કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળ સરકાર આવા મુશ્કેલ સમયમાં પોતાના મુખ્ય સચિવને મુક્ત ના કરી શકે અને ના મુક્ત કરી રહી છે.’ મમતા બેનર્જીએ પીએમ મોદીને લખેલા પત્રમાં કેન્દ્રના આ ર્નિણયને પાછો ખેંચવા, પુનઃવિચાર કરવા અને આદેશને રદ્દ કરવાની વિનંતી કરી છે. કેન્દ્રએ બંદોપાધ્યાયને દિલ્હી બોલાવવાનો આદેશ ચક્રવાત વાવાઝોડા યાસ પર પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી મમતા બેનર્જીની બેઠકમાં મોડેથી પહોંચ્યાના કેટલાક કલાકો બાદ આપ્યો હતો.
૩૧ મેના જ બંદોપાધ્યાય મુખ્ય સચિવ પદેથી રિટાયર્ડ થઈ રહ્યા હતા, પરંતુ ૨૪ મેના જ રાજ્યમાં કોવિડ-૧૯ મહામારીને પહોંચી વળવામાં મદદ માટે બંદોપાધ્યાયનો કાર્યકાળ ૩ મહિના માટે વધારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કાયદાના જાણકારોએ સંભાવના વ્યક્ત કરી કે કેન્દ્ર માટે બંગાળના મુખ્ય સચિવને સેવાનિવૃત્ત થવાના દિવસે દિલ્હી બોલાવવાના આદેશનું પાલન કરવું મુશ્કેલ થઈ શકે છે. જાણકારો પ્રમાણે રાજ્ય સરકાર પોતાના અધિકારોનો પ્રયોગ કરતા તેમને કાર્યમુક્ત કરવાથી ઇનકાર કરી શકે છે.
Recent Comments