ગુજરાત

૨૧ જૂને મુખ્યમંત્રીના નિવાસ સ્થાનેથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે

ગુજરાત સરકારે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી તા.૨૧મી જૂને વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. ‘હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત’ થીમ ઉપર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા તા.૧૪ જૂન ૨૦૨૧ થી તા.૨૦ જૂન ૨૦૨૧ દરમિયાન યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ છે જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.૨૧મી જૂને મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા તેમનો પરિવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તથા છ યોગ કોચ સાથે કોમન યોગા પ્રોટોકોલથી યોગ કરશે. સમગ્ર કાર્યક્રમનું મુખ્યમંત્રીના ફેસબુક પેજ ઉપરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

તા.૨૧ જૂન ૨૦૨૧નાં રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી સવારના ૦૭-૦૦ કલાકેથી ૦૭-૪૫ કલાક સુધી એટલે કે ૪૫ મિનિટ સુધી યોજાશે જેનું મુખ્યમંત્રીના ફેસબુક પેજ ઉપરથી સવારે ૧૧-૦૦ કલાકથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા ૨૧ જૂન – ૨૦૨૦ થી ૨૧ જૂન -૨૦૨૧ દરમિયાન ૨૧,૦૦૦ યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી તા.૨૧ જૂન ૨૦૨૧ના રોજ વિશ્વ યોગ દિવસના સંદર્ભે સવારના ૧૧-૦૦ કલાકેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદહસ્તે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોગ ટ્રેનીંગ સફળતા પુર્વક પુર્ણ કરેલ યોગ કોચ / યોગ ટ્રેનરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સ મારફતે દરેક જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ રૂમ ખાતે હાજર રહેલ ૨૦ યોગ કોચ ટ્રેનરને પણ જિલ્લા કક્ષાએથી પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમાં સંબંધિત જિલ્લા કલેકટરો ઉપસ્થિત રહેનાર છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રમતગમત વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો ઉપસ્થિત રહેનાર છે. તે ઉપરાંત રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ ઉપસ્થિત રહેનાર છે.

Related Posts