fbpx
ગુજરાત

એએમસીની તૈયારીઃ ૩ કરોડના ખર્ચે નેરોગેજ ટ્રેક પર દોડશે અટલ એક્સપ્રેસ



કાંકરિયા લેકફ્રંટમાં ચાલતી અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જયંતી એક્સપ્રેસને દોડવા માટે ટૂંક સમયમાં જ રેલવેની નેરોગેજ લાઈન મળશે. કોસાંબીથી ઉમરપાડા વચ્ચે અગાઉ આ લાઈન હતી તેને ઉખાડી નાખવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ પાટા રેલવે પાસેથી ખરીદ્યા છે અને હવે ૨૦૦૮માં કાંકરિયામાં નંખાયેલા પાટા ઉખાડીને આ ટ્રેક લગાાવાશે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે, જૂના ટ્રેકને વિવિધ જગ્યાએથી નુકસાન થયું હોવાથી તેને બદલવામાં આવી રહ્યો છે. ઉબડખાબડ ટ્રેકના કારણે ટ્રેન ઉથલી પડવાની સંભાવના છે. અધિકારીઓના કહેવા અનુસાર, રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના તાજેતરના રિપોર્ટમાં એએમસીને ટ્રેક બદલી નાખવાની સૂચના આપવામાં આવી હતી. અધિકારીઓનું માનીએ તો, તેઓ ટ્રેકની શોધમાં હતા ત્યારે તેમને જાણવા મળ્યું કે, રેલવેએ નેરોગેજ ટ્રેક વેચવા કાઢ્યા છે.


૮૪.૨ મેટ્રિક ટન વજન ધરાવતો ૪.૫ કિલોમીટર લાંબો ટ્રેક ખરીદવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૮ લાખ રૂપિયા ખર્ચશે. અધિકારીઓના કહેવા અનુસાર, ટ્રેક બદલાવાના પ્રોજેક્ટ અને સિવિલ વર્ક પાછળ કુલ ૩ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અધિકારીઓના કહેવા અનુસાર, ટ્રેન કાંકરિયા લેકફ્રંટમાં ૨.૨ કિલોમીટરનું અંતર કાપે છે.


ફેબ્રુઆરી ૨૦૧૮માં અટલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. જાેકે, ટ્રેન ખૂબ ધીમી હોવાથી કોઈ મોટી હાનિ થઈ નહોતી. અધિકારીઓનું કહેવું છે કે, રેલવે ટ્રેક ખરીદવા લાંબાગાળાનું રોકાણ છે કારણકે ટ્રેક લાંબા સમય સુધી ઉપયોગી થાય છે. નવા ટ્રેક સુરક્ષાની પણ ખાતરી આપશે તેમ અધિકારીઓનું કહેવું છે.


જાે સત્તાધીશો ટ્રેનની સ્પીડ વધારવા માગતા હશે તો પણ આ ટ્રેક અનુકૂળ થઈ પડશે કારણકે આ માટે તેનો ટેસ્ટ કરવામાં આવ્યો છે, તેમ અધિકારીએ જણાવ્યું. નેરોગેજ ટ્રેક ૧૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપી શકે છે. અટલ એક્સપ્રેસ સામાન્ય રીતે ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.

Follow Me:

Related Posts