fbpx
ગુજરાત

વડોદરામાં ટીમ રિવોલ્યુશને ૧ લિટર મફ્ત પેટ્રોલ આપી વિરોધ કર્યો

દેશભરમાં સતત વધી રહેલા પેટ્રોલના ભાવને લઈને વડોદરાની ટીમ રિવોલ્યુશન સંસ્થાએ ભાજપ સરકાર સામે આજે અનોખો વિરોધ કર્યો હતો. વડોદરાના સુભાનપુરાના હાઈટેન્શન રોડ પર આવેલા પેટ્રોલપંપ પર આજે ખેસ પહેરીને આવેલા ભાજપના કાર્યકરો, નેતાઓ તેમજ સામાન્ય નાગરિકોને ૧ લિટર પેટ્રોલ મફત આપવામાં આવ્યું હતું. મફત પેટ્રોલ મેળવવા ભાજપના કાર્યકરો કે નેતાઓ પાસે ભાજપનો ખેસ, સ્ટીકર કે કાર્ડ હોવું જરૂરી હતું. મફત પેટ્રોલ લેવા માટે મોટી સંખ્યમાં લોકોએ લાઇનો લગાવી દીધી હતી. જેમાં કેલાક ભાજપના કાર્યકરો પણ સામેલ હતા. નાગરીકોને વંદે માતરમ અને ભારત માતા કી જય બોલાવ્યા બાદ પેટ્રોલ મફત આપવામા આવ્યું હતું.

મફત પેટ્રોલ લેવા માટે આવેલા ભાજપના કાર્યકર હર્ષદભાઇ શાહે જણાવ્યું હતું કે, મોંઘવારીને કારણે હું મફત પેટ્રોલ ભરાવવા માટે આવ્યો છું. મારી નોકરી છૂટી ગઇ છે, ત્રણ વર્ષથી ઘરે બેઠો છું. હવે મારી પાસે કોઇ આવક નથી. સરકાર પેટ્રોલનો ભાવ વધારી રહી છે, ત્યારે આ સંસ્થાએ સારૂ કામ કર્યું છે.

ટીમ રિવોલ્યુશન સંસ્થાના સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, જ્યારે ભાજપ પાર્ટી સત્તા પર ન હતી ત્યારે પેટ્રોલમાં રૂા.૧ નો ભાવ વધતો ત્યારે વિરોધ કરતી હતી. હવે ભાજપ સત્તા પર છે ત્યારે પેટ્રોલનો ભાવ રૂા. ૯૫ સુધી પહોંચી જવા છતાં વિરોધ નથી થઈ રહ્યો. બીજી તરફ વિપક્ષ એટલો નબળો છે કે કોંગ્રેસ પણ એક શબ્દ નથી બોલી રહ્યો. પેટ્રોલના ભાવવધારાથી જનતાની કમર તૂટી ગઈ છે. આજે ગાડીઓ શો-કેશમાં મૂકવાનો વારો આવ્યો છે, ત્યારે ટીમ રિવોલ્યુશન દ્વારા સુભાનપુરા હાઈટેન્શન રોડના ઈન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ પર આજે અનોખી રીતે પેટ્રોલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts