fbpx
અમરેલી

તાલુકા હેલ્થ કચેરી, સિહોર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણાના ગામડાઓમાં “ગપ્પી માછલીઓ” મૂકીને મચ્છરજન્ય રોગચાળો અટકાવવાની કામગીરી હાથ ધરાઈ

ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં તેમજ ખાડાવાળી જગ્યાઓમાં પાણી ભરાઇ રહેતું હોય છે. જેને લીધે આ ખાડાઓમાં તેમજ નિચાણવાળા ભાગોમાં મચ્છરની મોટા પ્રમાણમાં ઉત્પત્તિ થતી હોય છે.

આ મચ્છર કરડવાને કારણે મેલેરિયા જેવા રોગોનું પ્રમાણ ચોમાસામાં વધતું હોય છે. આ મેલેરિયા રોગના પ્રસરણ માટે મચ્છરો જવાબદાર છે. ત્યારે આ મચ્છરોના નિયંત્રણ માટે વિવિધ પ્રયોગો આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે.

જે અંતર્ગત પોરા ભક્ષક ગપ્પી માછલીનો નવતર પ્રયોગ છેલ્લા ઘણાં સમયથી વધ્યો છે. આ પ્રયોગમાં પોરા ભક્ષક માછલીઓને પાણી ભરેલા ખાડાઓમાં કે નાના તળાવ કે ખાબોચિયામાં મૂકવામાં આવે છે.

આ માછલીઓનો મુખ્ય ખોરાક મચ્છર દ્વારા ઈંડા સ્વરૂપે મુકવામાં આવતા પોરા છે. આ માછલીઓ મચ્છરના ઈંડાને ખોરાક તરીકે આરોગી જાય છે. જેથી મચ્છરની ઉત્પત્તિ થતી અટકે છે અને મચ્છરોના પ્રમાણને કુદરતી રીતે ઘટાડી શકાય છે.

ભાવનગરના ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવીયાડ, મેલેરીયા અધિકારી ડો. બી.પી.બોરીચા, અધિક મેલેરીયા અધિકારી મેહુલભાઇ ચૌહાણ, જિલ્લા લાયઝન સુપરવાઇઝરોશ્રી અમિતભાઇ રાજ્યગુરૂ, જિતેન્દ્રભાઇ ગજ્જર, નિપુલભાઇ ગોંડલીયા, બી.કે.ગોહિલ, ભૂપતભાઇ સોંડાગરની સુચના અને દેખરેખ હેઠળ જિલ્લાભરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમ કામ કરી રહી છે.


જે અન્વયે તાલુકા હેલ્થ કચેરી-સિહોરનાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશ વાકાણી, તાલુકા સુપરવાઇઝર અનિલભાઇ પંડિત, હસુમતીબેન ગોહિલની સીધી દેખરેખ હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર ડો.દિગ્વીજયસિંહ ગોહિલ, સુપરવાઇઝર રાહુલભાઇ રમણા તથા આરોગ્ય કર્મચારીની ટીમ દ્વારા સિહોર કચેરીમાંથી ગપ્પી માછલીઓ લઇને જ્યાં તળાવ, નદી, કુંવામાં માછલીઓ મુકવામાં આવી. જે માછલી મચ્છર ઇંડા મુકે તેને ખાય જાય છે. જેથી આ પ્રયોગથી મચ્છર ઉત્પત્તિ અટકે છે અને મચ્છરજન્ય રોગચાળો મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અટકાવી શકાય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, સિહોર અર્બનની ટીમ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાણા, મઢડા, ઉસરડ, સોનગઢ, સણોસરાની ટીમ પણ માછલીઓ મૂકવી, ખાડા-ખાબોચીયામાં બળેલું તેલ નાખવું, ઘરમાં રહેલા ટાયર-ભંગારો દૂર કરાવવાં તેમજ પાણીના પાત્રોને ઢંકાવવાં, પાણીના પાત્રોમાં એબેટ નખાવવું, પોરાવાળા પાત્રોના પાણીને ઢોળાવી નિકાલ કરવો, દર અઠવાડીએ પાણીના પાત્રો સાફ કરાવી એક દિવસ કોરા રાખી ડ્રાઇ દિવસ ઉજવવો વગેરે જેવી કામગીરી કરવામાં આવી રહી છે.


આ ઝુંબેશમાં આરોગ્ય કર્મચારીઓ, સુપરવાઇઝરો, મેડિકલ ઓફિસરશ્રીઓ, આશા ફેસીલીટર બહેનો, આશા બહેનો સતત જહેમત ઉઠાવી રહ્યાં છે.

આ બધી મહેનતના કારણે તથા ગપ્પી માછલીના ઉપયોગ દ્વારા મચ્છરોની ઉત્પત્તિ ઘટશે તે નક્કી છે

Follow Me:

Related Posts