fbpx
રાષ્ટ્રીય

ભારતની આક્રમકતા બાદ યુરોપિયન યુનિયનના ૭ દેશોએ કોવીશીલ્ડને માન્યતા આપી

યુરોપીય યુનિયનના ૭ દેશો અને સ્વિત્ઝરલેન્ડે ભારતની કોવીશીલ્ડને માન્યતા આપી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વેક્સિનના ગ્રીન પાસ બાબતે ભારતે યુરોપિયન યુનિયનના દેશોને કડક ચેતવણી આપી હતી. સૂત્રો મુજબ, ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે જાે યુરોપિયન દેશોની મેડિકલ એજન્સી કોવિશીલ્ડ અને કોવેક્સિનને ગ્રીન પાસમાં સામેલ નહીં કરે તો અમે પણ આ દેશોના વેક્સિન સર્ટિફિકેટને માન્ય ગણીશું નહીં. એવામાં યુરોપિયન દેશોના નાગરિકોને પણ ભારતમાં ક્વોરન્ટીન કરવામાં આવશે.

યુરોપિયન સંઘે પોતાના ‘ગ્રીન પાસ’ યોજના હેઠળ પ્રવાસીય પ્રતિબંધોમાં ઢીલ આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતે જૂથના ૨૭ સભ્ય દેશોને વિનંતી કરી છે કે કોવિશીલ્ડ અને કોવેક્સિનની વેક્સિન લીધેલા ભારતીયોને યુરોપ પ્રવાસની મંજૂરી આપવા અંગે તેઓ અલગ-અલગ વિચાર કરે.

યુરોપિયન સંઘની ડિજિટલ કોવિડ સર્ટિફિકેશન યોજના ‘ગ્રીન પાસ’ ૧ જુલાઈથી લાગુ થઈ રહી છે, જે અંતર્ગત કોરોના મહામારી દરમિયાન સ્વતંત્ર આવવા-જવાની મંજૂરી આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતે યુરોપિયન મેડિકલ એજન્સીને જણાવ્યું હતું કે ભારતમાં વેક્સિન અપાયેલા લોકોના સર્ટિફિકેટની ચકાસણી કોવિન પોર્ટલ પર કરી શકાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતે કહ્યું હતું કે તે પણ ગ્રીન પાસ લઈને આવતા લોકોને ફરજિયાત ક્વોરન્ટીનમાંથી મુક્તિ આપશે.

વિદેશમંત્રી એસ. જયશંકરે મંગળવારે યુરોપિયન સંઘના પ્રતિનિધિ જાેસેફ બોરેલ ફોન્ટેલેસ સાથેની મુલાકાત દરમિયાન ઇયુની ડિજિટલ કોવિડ પ્રમાણપત્ર યોજનામાં કોવિશીલ્ડને સમાવિષ્ટ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઇટાલીમાં જી-૨૦ સમિટ દરમિયાન આ બેઠક થઈ હતી.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ બુધવારે જણાવ્યું હતું કે કંપનીને એક મહિનામાં તેની કોવિડ-૧૯ વેક્સિન કોવિશીલ્ડ માટે યુરોપિયન મેડિસિન્સ એજન્સી તરફથી મંજૂરી મળે એવી આશા છે. પૂનાવાલાએ એમ પણ કહ્યું હતું કે વેક્સિન પાસપોર્ટનો મુદ્દો દેશોની વચ્ચે પરસ્પર ધોરણે હોવો જાેઈએ.

Follow Me:

Related Posts