વિસાવદર મારામારીઃ આપ નેતાઓ પર થયેલ હુમલા અંગે સામ-સામે ફરિયાદ દાખલ
જૂનાગઢના વિસાવદરના લેરીયા ગામે આપના કાફલા પર હુમલાની ઘટનાને મામલે સામસામી હત્યાના પ્રયાસની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પ્રવિણ રામ અને હરેશ રાવલિયા સહિત આપના ૩૦ કાર્યકર્તાઓ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સામા પક્ષે ૧૦ શખ્સો સહીત શખ્સોના ટોળાં સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઇ છે. આપ પરના હુમલાખોરો ભાજપના હોદ્દેદારો હોવાનું ખુલ્યું છે. બન્ને પક્ષો સામે આઈપીસી ૩૦૭ સહિતની ફરિયાદ નોંધાવી છે.
ગઈ કાલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આપના નેતાઓ પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં આપના એક કાર્યકરને ઇજા પણ થઈ છે. આપના નેતા ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મહેશ સવાણી સહિતના આપના નેતાઓ પર હુમલો થયો હતો. જેમાં હુમલો કરનાર આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.
હુમલાની ઘટના બાદ હવે આપના આગેવાનોએ પોલીસ પાસે રક્ષણની માગ કરી છે. મહત્વનું છે કે ગઈ કાલે જે ઘટના બની તેમાં આપ કાર્યકર્તાઓની ૫ જેટલી ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા જેમાં આપના એક કાર્યકર્તાને ગંભીર ઈજા પણ થઈ હતી. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરતા આપના ૩૦ કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ નોંધી છે જ્યારે સામે પક્ષે ૧૦ શખ્સો સામે પણ ગુનોં નોંધાયો છે.
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર જનસંવેદના યાત્રા દરમિયાન થયેલા હુમલા બાદ પાર્ટી નેતાઓ હવે આરપારના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓ વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર ગઈકાલે રાતથી જ ધરણાં આપી રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ આખી રાત પોલીસ સ્ટેશનની બહાર રોકાયા હતા.
આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે એફઆઇઆરની કૉપી તેમને આપવામાં આવે. પાર્ટીનો આરોપ છે કે પોલીસે ફરિયાદની કૉપી નથી આપી તથા આપ દ્વારા નોંધાવાયેલી ફરિયાદ પ્રમાણે કલમ નથી ઉમેરવામાં આવી. એવામાં એફઆઇઆરની કોપી નહીં અપાય ત્યાં સુધી કાર્યકરો પોલીસ સ્ટેશન બહાર જ બેઠા રહેશે તેવું આહવાહન કરવામાં આવ્યું છે. રાતે ધરણાં દરમિયાન રામધૂન બોલાવવામાં આવી હતી.
Recent Comments